થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કરાવેલો યુદ્ધ વિરામ માત્ર 44 દિવસમાં જ ખત્મ : બંને એકબીજાને ભાંડે છે

December 09, 2025

થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચે ફરી સીમા સંઘર્ષ શરૂ થઈ ગયો છે. થાઈલેન્ડની સેનાએ સોમવાર, ૮ ડિસેમ્બરે જણાવ્યું હતું કે, કમ્બોડિયા તરફથી શરૂ થયેલા હુમલામાં તેનો ઓછામાં ઓછો એક સૈનિક માર્યો ગયો છે અને ૪ ઘાયલ થયા છે. હવે તેના જવાબમાં થાઈલેન્ડે કમ્બોડિયા ઉપર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. તે હુમલા તેના સૈનિક થાણાઓ ઉપર જ કરવામાં આવ્યા હતા. તેમાં કમ્બોડિયાના ૪ સૈનિકો માર્યા ગયા છે. નાગરિક વસવાટોને બાકાત રખાયા હતા. વાસ્તવમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધ-વિરામ કરાવ્યો હતો. પરંતુ ૪૪ દિવસમાં જ તે તૂટી ગયો છે અને બંને દેશો એકબીજા ઉપર યુદ્ધ-વિરામ ભંગના આક્ષેપો કરી રહ્યા છે. થાઈલેન્ડની સેનાએ જ જાહેર કર્યું હતું કે, થાઈલેન્ડે હવે કમ્બોડિયાના કેટલાયે સૈન્ય સંસ્થાનો (છાવણીઓ) ઉપર હુમલા કરવા માટે યુદ્ધ-વિમાનોનો ઉપયોગ કર્યો છે. જ્યારે કમ્બોડિયાએ કહ્યું હતું કે, હજી સુધી અમે કોઈ પગલા લીધા નથી. પરંતુ થાઈલેન્ડ જણાવે છે કે કમ્બોડિયાની સેનાએ થાઈલેન્ડના નાગરિક ક્ષેત્રો તરફ બી.એમ.૨૧ પ્રકારના રોકેટ છોડયા હતાં. ટૂંકમાં બંને દેશો એક બીજા પર યુદ્ધ વિરામ ભંગના આક્ષેપો કરી રહ્યા છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે ગત જુલાઈ મહિનામાં જ સરહદી વિવાદને પગલે સંઘર્ષો શરૂ થઈ ગયા હતા. પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહા પ્રયત્ને યુદ્ધ વિરામ કરાવ્યો હતો. જે માત્ર ૪૪ દિવસમાં જ તૂટી ગયો. ઉલ્લેખનીય તે છે કે કમ્બોડિયાને થાઈલેન્ડ ઉપરાંત વિયેતનામ સાથે પણ સરહદી સંઘર્ષ છે. મહત્વની વાત તે છે કે, થાઈલેન્ડ અમેરિકા તરફી છે. તેને અમેરિકા શસ્ત્રાસ્ત્રો આપે છે. બીજી તરફ કમ્બોડિયાને વિયેતનામ સાથે સંઘર્ષ છે. વિયેતનામને ચાયના સાથે ઉત્તરે સરહદી વિસ્તાર છે. દક્ષિણે ચીને કરેલા સમગ્ર દક્ષિણ ચીન-સમુદ્ર અંગે પણ વિયેતનામ-થાઈલેન્ડ ઇન્ડોનેશિયા વગેરે દેશોને વાંધો છે. અને કમ્બોડિયાએ તે હાથમાં લીધુ છે અને તેના કુદરતી બંદરમાં નૌકા મથક તેમજ લશ્કરી મથક સ્થાપ્યા છે.