'દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા', RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું

November 18, 2025

બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ સોમવારે (17મી નવેમ્બર) પટણામાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેજસ્વી યાદવને સર્વસંમતિથી વિધાનસભા પક્ષના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. જો કે, બેઠક બાદ RJDના વરિષ્ઠ નેતાઓના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગેના નિવેદનોથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.

સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે EVMને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યુંહ તું કે, 'અમને અપેક્ષા નહોતી કે ચૂંટણીમાં RJDને આવી દુર્દશાનો સામનો કરવો પડશે. EVMમાં આશરે 25,000 મત પહેલાથી જ હતા. છતાં અમારા 25 ધારાસભવોનો વિજય અમારા માટે સૌભાગ્યની વાત છે.' તેમના નિવેદનથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

જગદાનંદ સિંહે લોકશાહી પ્રક્રિયામાં કથિત છેડછાડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'જો લોકશાહી પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવે તો દેશ કઈ દિશામાં જશે? શાસક પક્ષે પરિસ્થિતિ બદલવા માટે ખાસ પગલાં લીધા છે. શું લોકશાહી એક એવો વ્યવસાય છે જ્યાં છેતરપિંડી ચાલુ રહી શકે છે? EVM સાથે છેડછાડ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.'

બેઠકમાં હાજર રહેલા મનેરના RJD ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ પણ ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'અમે બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી જીતીએ છીએ, પરંતુ EVMનો ઉપયોગ કરીને ચૂંટણી હારી જઈએ છીએ. EVM સાથે છેડછાડ કરવામાં આવી છે, અને આપણે તેની સામે લડવું જોઈએ.' તેમણે આ મુદ્દે વધુ આંદોલનની જરૂરિયાત દર્શાવી હતી.