IPL ઓક્શનમાં રૂ.30 કરોડની બોલી લાગે તો પણ વિદેશી ખેલાડીને 18 કરોડ જ મળશે! નવો નિયમ બનશે ચર્ચાનો વિષય

December 16, 2025

IPL Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ના ખેલાડીઓની મીની-નીલામી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. આ મીની-ઓક્શન પહેલા એક એવા નિયમની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેની અસર વિદેશી ખેલાડીઓ પર પડશે. IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો અનુસાર, મીની-ઓક્શનમાં કોઈપણ વિદેશી ખેલાડી મહત્તમ ₹18 કરોડ જ કમાઈ શકે છે, ભલે ફ્રેન્ચાઇઝી ટીમ તેના પર તેનાથી વધુની બોલી કેમ ન લગાવે.

નિયમ પ્રમાણે, જો કોઈ વિદેશી ખેલાડી પર ₹18 કરોડથી ઉપરની બોલી લગાવવામાં આવે, તો પણ ખેલાડીને માત્ર ₹18 કરોડ જ મળશે. આ નિયમ IPL 2025 માટે યોજાયેલા મેગા-ઓક્શનમાં પહેલીવાર લાગુ કરવામાં આવ્યો હતો અને હવે તેને મીની-ઓક્શનમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનો ઉદ્દેશ નાણાકીય અનુશાસન જાળવવાનો અને મીની-ઓક્શનમાં થતી અત્યંત મોંઘી બોલીઓ પર નિયંત્રણ રાખવાનો છે.

ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પર ₹30 કરોડની બોલી લાગે છે, તો પણ તેમની IPL સેલરી માત્ર ₹18 કરોડ જ રહેશે. વધારાના ₹12 કરોડ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના પ્લેયર્સ વેલ્ફેર ફંડમાં જમા થશે. જોકે, ફ્રેન્ચાઇઝી ટીમે ₹30 કરોડની સંપૂર્ણ રકમ તેના પર્સમાંથી ચૂકવવી પડશે.