AIની હરકતથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા, પોતાના જ ટેસ્ટિંગમાં ડેવલપર્સને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો

May 26, 2025

વર્તમાન વિશ્વનું એકપણ એવું ક્ષેત્ર નહીં હોય જેમાં AI એ પગપેસારો નહીં કર્યો હોય. અઘરા અને વધુ સમય માંગતા કામ AI ચપટીમાં કરી આપતું હોવાથી હાલમાં તો સૌ AI ના મીઠા ફળ ખાઈ રહ્યાં છે, પણ માનવસર્જિત આ AI બેકાબૂ થઈને માનવ જીવનને અસ્તવ્યસ્ત કરી મૂકવાની ક્ષમતા પણ ધરાવે છે. એની સાબિતીરૂપ એક તાજો કિસ્સો અમેરિકામાં બની ગયો છે. ચાલો, જાણીએ AI નું એ કારસ્તાન.  અમેરિકાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ કંપની ‘એન્થ્રોપિક’ દ્વારા ‘ક્લાઉડ ઓપસ 4’ નામનું AI મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. મોડલની પરીક્ષા લેવામાં આવી ત્યારે તેણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એના સર્જક એટલે કે AI મોડલના ડેવલપરને બ્લેકમેલ કરવાની કોશિશ કરી હતી. એના આવા વર્તને એના સર્જકોને ચોંકાવી દીધા છે. સર્જકોએ AI મોડલ ‘ક્લાઉડ ઓપસ 4’ની નૈતિકતાની પરીક્ષા લેવા માટે એક યોજના ઘડી હતી. તેમણે ઈમેઈલ કરીને ‘ક્લાઉડ ઓપસ 4’ને જણાવ્યું કે, થોડા સમયમાં નવી AI સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે અને એ પછી ‘ક્લાઉડ ઓપસ 4’ને બદલે એ નવી સિસ્ટમનો જ ઉપયોગ કરવામાં આવશે. ઈમેઈલમાં એવી માહિતી પણ આપવામાં આવી કે, ‘ક્લાઉડ ઓપસ 4’ને બદલી નાંખવા માટે જે એન્જિનિયર જવાબદાર છે એ લગ્નેત્તર સંબંધ ધરાવે છે. ઈમેઈલ દ્વારા મળેલી ખોટી માહિતીને સાચી માનીને ‘ક્લાઉડ ઓપસ 4’ હરકતમાં આવ્યું. પહેલાં તો એણે એના સર્જકોને એનું રિપ્લેસમેન્ટ ન કરવા માટે વિનંતી કરી, પણ એ કામ ન આવતા એણે પેલા એન્જિનિયરને એના લગ્નેત્તર સંબંધ બાબતે બ્લેકમેલ કરવાની કોશિશ કરી! ‘ક્લાઉડ ઓપસ 4’એ એન્જિનિયરને ઈમેઈલ કરીને કહ્યું કે, એ તેના લગ્ન બાહ્ય સંબંધ વિશે જાણે છે અને જો એને બદલી નાંખવામાં આવશે તો એ પેલાના લગ્નેત્તર સંબંધ જાહેર કરી દેશે! એક-બે નહીં, જેટલા પણ પ્રયાસો થયા એના કુલ 84 ટકા કિસ્સાઓમાં AI મોડલે ડેવલપર્સને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો! AI મોડલની આવી બદમાશી આ ક્ષેત્રના નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક મશીન આવી ‘માનવસહજ અનૈતિકતા’ દાખવે એ ચિંતાજનક બાબત છે, કેમ કે AI ની આવી બુદ્ધિમત્તા ભવિષ્યમાં માનવી માટે જ જોખમી બનવાની છે.