'EVM હેક થઈ શકે, એના પુરાવા છે...' અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડનો દાવો

April 12, 2025

ભારતમાં વિપક્ષ વર્ષોથી ઈવીએમથી મતદાન સામે સવાલ ઉઠાવતો રહ્યો છે. વિશેષરૂપે ચૂંટણીમાં પરાજય થાય એટલે દોષનો ટોપલો ઈવીએમના માથે નાંખી દેવાય છે. જોકે, ઈવીએમ સાથે ચેડાંના વિપક્ષના દાવા ચૂંટણી પંચ સતત ફગાવતું રહ્યું છે. જોકે, અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે દાવો કર્યો છે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ હેક થઈ શકે છે અને તેના પુરાવા પણ મળ્યા છે. તેમણે અમેરિકામાં બેલટ પેપરથી ચૂંટણીની માગ કરી છે. તેમના આ નિવેદનથી ભારતમાં હોબાળો મચ્યો છે. વિપક્ષે ફરી એક વખત ઈવીએમ સામે સવાલ ઉઠાવ્યા છે. જોકે, ચૂંટણી પંચે ભારપૂર્વક કહ્યું છે કે ભારતની ઈવીએમ સિસ્ટમ ફૂલપ્રૂફ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ બેઠક દરમિયાન યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે દાવો કર્યો કે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઈવીએમ સિસ્ટમ) હેક થઈ શકે છે. તેથી આખા દેશમાં પેપર બેલટથી મતદાન તરફ વળવું જોઈએ. આ બેઠકમાં તેમણે વોટિંગ મશીનની સુરક્ષામાં ખામીના પુરાવા પણ રજૂ કર્યા હતા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણી દરમિયાન ભૂતપૂર્વ સાયબર સિક્યોરિટી ચીફ ક્રિસ ક્રેબ્સની તપાસ માટે ડિપાર્મટેન્ટ ઓફ જસ્ટિસને નિર્દેશો આપતા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષર કર્યાના બીજા દિવસે ગબાર્ડે આ દાવો કર્યો હતો.