'સારા સંબંધો માટે વિશ્વાસ જરૂરી...' પાકિસ્તાનમાં ગર્જ્યા જયશંકર; આતંકવાદ પર શું બોલ્યાં જુઓ

October 16, 2024

વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનમાં SCO શિખર સંમેલનને સંબોધિત કર્યું. જયશંકરે કહ્યું, 'આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરવાદથી બચવું પડશે. સંમેલનમાં પાકિસ્તાનનું નામ લીધા વિના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને આતંકવાદને લઈને રોકડું પકડાવ્યું. જયશંકરે કહ્યું કે 'સારા સંબંધો માટે વિશ્વાસ જરૂરી છે. જો વિશ્વાસ નથી તો કંઈ પણ નથી.' જયશંકર બુધવારે સવારે 10.30 મિનિટ પર ઈસ્લામાબાદના જિન્ના કન્વેન્શન સેન્ટર પહોંચ્યા. જ્યાં તેમનું સ્વાગત પાકિસ્તાનના PM શહેબાઝ શરીફ અને ડેપ્યુટી PM ઈશાક ડારે કર્યું. SCO ની બેઠક 11 વાગ્યે શરૂ થઈ ગઈ છે. જેમાં SCO ના વેપાર અને આર્થિક એજન્ડા પર ચર્ચા થશે. બેઠક બાદ અઢી વાગે લંચ થશે. સાંજે 4 વાગે જયશંકર પાકિસ્તાનથી ભારત માટે રવાના થઈ જશે.  શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં હાજરી આપવા પાકિસ્તાન પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીન અને પાકિસ્તાનની પોલ ખોલીને મૂકી દીધી છે. એસસીઓ સમિટને સંબોધિત કરતાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન-ચીનના સીપીઈસી પ્રોજેક્ટના કારણે ભારતીય સંપ્રભુતાના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે એસસીઓના સભ્ય દેશોનો સહયોગ પરસ્પર સન્માન અને સંપ્રભુ સમાનતા પર આધારિત હોવો જોઈએ. એ જરૂરી છે કે તમામ દેશ ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાને માન્યતા આપે. આ માટે વાસ્તવિક ભાગીદારીનું નિર્માણ થવું જોઈએ, ના કે એકપક્ષીય એજન્ડા પર આગળ વધવું જોઈએ. વિદેશ મંત્રીએ CPEC ની તરફ ઈશારો કરતાં કહ્યું કે જો આપણે વિશ્વની અમુક પ્રથાઓને આગળ વધારીશું ખાસ કરીને વેપાર અને વ્યાપારિક માર્ગો માટે તો SCOની પ્રગતિ થઈ શકશે નહીં.  વિદેશ મંત્રી એસ.જયશંકરે SCO શિખર સંમેલનમાં કહ્યું કે SCOનું પ્રાથમિક લક્ષ્ય આતંકવાદ, અલગાવવાદ અને અતિવાદનો સામનો કરવાનું છે. વર્તમાન સમયમાં એ પણ મહત્વપૂર્ણ છે. આ માટે ઈમાનદાર વાતચીત, વિશ્વાસ, સારા પાડોશી અને એસસીઓ ચાર્ટરના પ્રત્યે પ્રતિબદ્ધતાની જરૂર છે. એસસીઓને આ ત્રણ બદીઓનો સામનો કરવામાં દ્રઢ અને સંકલ્પિત થવાની જરૂર છે. વિદેશ મંત્રીએ કહ્યું કે SCO એ પ્રયત્ન કરવો જોઈએ કે વૈશ્વિક સંસ્થાઓ સુધારાની પહેલ કરે. તેનો પ્રયત્ન થવો જોઈએ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભાગીદારી વધારવામાં આવે. તેને સમાવેશી, પારદર્શી, કુશળ, પ્રભાવી, લોકતાંત્રિક અને જવાબદાર બનાવવામાં આવે.