ખેડૂત આંદોલન : આમરણાંત ઉપવાસ પર બેઠેલા ડલ્લેવાલની હાલત ગંભીર

December 15, 2024

દિલ્હી : શંભુ અને ખનૌરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી , ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે  બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાનને ખેડૂત આંદોલન અંગે તમામ માહિતી અપાઈ છે. 


કેન્દ્ર સરકારે 20 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંઘ ડલ્લેવાલ  સાથે મુલાકાત કરવા માટે કેન્દ્રીય ગૃહ નિદેશક મયંક મિશ્રાને મોકલ્યા છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવ મિશ્રા પણ ખનૌરી બોર્ડર પર પહોંચ્યા છે. બેઠક બાદ મિશ્રાએ કહ્યું કે, મેં ખેડૂતોની માંગણીઓ અંગે માહિતી મેળવી છે. તેમણે કેન્દ્ર સરકારના વાતચીત કરવાના પ્રસ્તાવનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ડલ્લેવાલની તબીબી મદદ કરવાનો આદેશ આપ્યો હતો.
વડાપ્રધાન મોદી ખેડૂત આંદોલન મુદ્દે સક્રિય થયા બાદ એવું મનાઈ રહ્યું છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતો અંગે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. પંજાબના ડીજીપીએ કહ્યું કે, ડલ્લેવાલના જીવનની કિંમત છે. અમે બધા સંકલન કરીને સમસ્યાનો નિવેડો લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. મારી સાથે કેન્દ્રીય ગૃહ નિદેશક પણ આવ્યા છે. તેઓ ખેડૂતોની માંગણીઓ કેન્દ્ર સરકારને મોકલશે. પંજાબ સરકારે પણ ખેડૂતોની માંગણીઓ આગળ મોકલવા કહ્યું છે.