બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા

November 03, 2025

બે દિવસના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં સોમવારે (3 નવેમ્બર) વહેલી સવારથી ફરી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. આગથળા, કુડા, ભાકડીયાલ, જાલોઢા, માનપુરા અને નવાપુરા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. ખેડૂતો પોતાના ખેતરોમાં લણણી કરેલી મગફળીને પ્લાસ્ટિક ઢાંકીને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. જોકે, એવામાં હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. આગાહી અનુસાર, ગુજરાતમાં હજી આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા પંથકના લાખણી, થરાદ, દિયોદર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. લાખણીના આગથળા, કુડા, ભાકડીયાલ જેવા ગામોમાં વરસાદ છે. આ સિવાય દિયોદરના જાલોઢા, માનપુરા, નવાપુરા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. ખેડૂતોનું કહેવું છે કે, અગાઉ વરસેલા કમોસમી વરસાદના કારણે મોટાભાગની લણણી કરેલી મગફળીની જણસ પહેલેથી જ સડી ગઈ છે અને હવે ફરીથી વરસાદ આવતા નુકસાનની માત્રા વધશે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે. માર્કેટ યાર્ડમાં પોતાની ખેત પેદાશ વેચાણ અર્થે લાવતા ખેડૂતોને તાડપત્રી અથવા પ્લાસ્ટિકથી ઢાંકીને પોતાનો માલ સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે. 
3 નવેમ્બરઃ અરબી સમુદ્રમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના પગલે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જોકે, હવે આ સિસ્ટમ નબળી પડતાં ભારે વરસાદની આગાહી અપાઈ નથી. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 
4 નવેમ્બર: સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
5 નવેમ્બર: વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.