કેનેડામાં પાંચ ગુજરાતીની ધરપકડ, એમેઝોનનું રૂ. 17 કરોડનું ફૂલેકું ફેરવ્યું

December 18, 2025

કેનેડાના ડરહામ પ્રાદેશિક પોલીસના ફાઇનાન્શિયલ ક્રાઇમ યુનિટ (FCU) એ લાંબી તપાસ બાદ એમેઝોન વેરહાઉસમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પકડાયેલા પાંચેય આરોપીઓ ભારતીય અને વિશેષ કરીને ગુજરાત સાથે સંબંધ ધરાવતા હોવાની જાણકારી મળી છે. 

શું હતી સમગ્ર ઘટના?

નવેમ્બર 2025 માં, અજેક્સના સેલેમ રોડ પર આવેલા એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરની 'લોસ પ્રિવેન્શન ટીમ' એ પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે કંપનીના જ બે કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી સિસ્ટમેટિક રીતે માલસામાનની ચોરી કરી રહ્યા હતા, જેની કુલ કિંમત અંદાજે $2 મિલિયન (20 લાખ કેનેડિયન ડોલર) જેટલી થવા જાય છે.

સોમવાર, 15 ડિસેમ્બર 2025 ના રોજ પોલીસે એમેઝોનના બે કર્મચારીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ સ્કારબોરો (Scarborough) સ્થિત એક રહેણાંક મકાન પર સર્ચ વોરંટ જાહેર કરીને તપાસ હાથ ધરતા અન્ય ત્રણ શખ્સો પણ ઝડપાયા હતા. 

આ દરોડા દરમિયાન પોલીસે નીચે મુજબની વસ્તુઓ જપ્ત કરી

$2,50,000 થી વધુની કિંમતના હાઈ-એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ.

$50,000 ની કેનેડિયન કરન્સી (રોકડ).

5 ગુજરાતી આરોપીઓ પકડાયા 

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ઝડપાયેલા પાંચેય વ્યક્તિઓ ગુજરાતી અટક ધરાવે છે જેમાં આ લોકોનો સમાવેશ થાય છે. 

મેહુલ બળદેવભાઈ પટેલ (36 વર્ષ): ન્યુમાર્કેટના રહેવાસી પર છેતરપિંડી અને ચોરીનો આરોપ છે.

આશિષકુમાર સવાણી (31 વર્ષ): સ્કારબોરોના રહેવાસી પર ચોરી, છેતરપિંડી અને ગુનાહિત રીતે મેળવેલી મિલકતની હેરાફેરીનો આરોપ છે.

બંસરી સવાણી (28 વર્ષ): સ્કારબોરોની રહેવાસી પર ગુનાહિત મિલકત રાખવાનો આરોપ છે.

યશ ધામેલિયા (29 વર્ષ): સ્કારબોરોની રહેવાસી પર ગુનાહિત મિલકત રાખવાનો આરોપ છે.

જન્વીબેન ધામેલિયા (28 વર્ષ): સ્કારબોરોની રહેવાસી પર પણ ગુનાહિત મિલકત રાખવાનો આરોપ છે.

હવે શું કાર્યવાહી થશે? 

હાલમાં તમામ પાંચ આરોપીઓને કેટલીક શરતો (Undertaking) સાથે મુક્ત કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં કોર્ટમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ કેનેડામાં વસતા ભારતીય સમુદાયમાં ચર્ચા જગાવી છે, કારણ કે આટલા મોટા પાયે આચરવામાં આવેલા કૌભાંડમાં સ્થાનિક સ્તરે સ્થાયી થયેલા ગુજરાતી યુવાનોના નામ સામે આવ્યા છે.