હરણી બોટકાંડના વધુ પાંચ આરોપી જેલમુક્ત, મૃતકના પરિવારજનો લાચાર

October 02, 2024

વડોદરા - હરણી તળાવ બોટ દુર્ઘટના કેસની સુનાવણી કરતા સોમવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેની સિંગલ બેન્ચે પાંચ આરોપીઓને જામીન આપ્યા છે. જેમાં હાઈકોર્ટે ચુકાદો આપતા પરેશ શાહ વત્સલ શાહ (કોટીયા પ્રોજેક્ટના સંચાલક), શાંતિલાલ સોલંકી (બોટમેન), નિલેશ જૈન (બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવનાર ડોલ્ફિન કંપનીના માલિક) અને નયન ગોહિલ (બોટમેન)ની જામીન અરજી મંજૂર કરી છે. જેને લઈને બે મુખ્ય આરોપી સહિત પાંચ આરોપી આઠ મહિના બાદ જેલમાંથી મુક્ત થશે. જણાવી દઈએ કે, આ કેસમાં અગાઉ ચાર મહિલા આરોપીઓને જામીન અપાયા હતા. જોકે એક હજુ જેલમાં બંધ છે.


18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં આવેલા હરણી તળાવમાં પિકનિક પર આવેલા ન્યૂ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોની એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા.  હાઈકોર્ટ દ્વારા આ દુર્ઘટના કેસમાં સુઓમોટો દાખલ કરાઈ હતી. આ કેસના આરોપીઓ સામે કલમ 304, 308, 337, 114 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટિયા પ્રોજેક્ટ નામથી એક ખાનગી પેઢીને તળાવ પ્રોજેક્ટના વિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં આરોપી પરેશ અને વત્સલ શાહ આ પ્રોજેક્ટમાં પાર્ટનર છે. 'ડોલ્ફિન એન્ટર ટેનમેન્ટ'ના માલિક નિલેશ કોટિયા દ્વારા આ પ્રોજેક્ટ માટે સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા અને બોટમેન નયન ગોહિલ હતો. આ કેસ અંગેના આરોપીઓ સામે કલમ 304, 308, 337, 114 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાંમાં આવ્યો હતો.