'અયોધ્યાથી બાબરને હટાવ્યો એ રીતે ઝારખંડથી...', ભાજપના દિગ્ગજ મુખ્યમંત્રી આ શું બોલી ગયા

November 09, 2024

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિ માટે હિન્દુઓને વિભાજિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો અને લોકોને આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે એકજૂથ રહેવા વિનંતી કરી. સરમાએ રાજ્યના લોકોને કહ્યું કે 'અમે બાબરને અયોધ્યામાંથી હટાવ્યો હતો' તેવી જ રીતે આમને સત્તા પરથી હટાવવાની હાકલ કરી છે. મુખ્યમંત્રીએ ઝારખંડમાં વધી રહેલી બાંગ્લાદેશી ઘૂસણખોરી પર પણ ચિંતા વ્યક્ત કરી અને ચેતવણી આપી કે જો તેના પર અંકુશ નહીં આવે તો તે રાજ્યની મહિલાઓ માટે ગંભીર ખતરો બની જશે. રાંચીમાં કાંકેની રેલીમાં સરમાએ કહ્યું, 'કોંગ્રેસ મતબેંકની રાજનીતિ માટે હિંદુઓમાં ભાગલા પાડવા માંગે છે. જો તમે સંગઠિત રહેશો, તો તમે સુરક્ષિત રહેશો'. સરમા ઝારખંડમાં ભાજપના ચૂંટણી સહ-પ્રભારી પણ છે. આસામના સીએમએ લોકોને ચેતવણી આપી હતી કે, 'જો ભાજપ સત્તામાં નહીં આવે તો ઘૂસણખોરો ઘરો પર હુમલો કરશે અને મહિલાઓને ગંભીર જોખમમાં મૂકશે. જેમ અયોધ્યામાંથી બાબરને હાંકી કાઢયો હતો, તેમ ઝારખંડને લૂંટનારા આલમગીર આલમ અને ઈરફાન અન્સારી જેવા મંત્રીઓને પણ બહાર કાઢી નાખીશું.'