સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ

December 01, 2025

સુરતમાં ઉધાન-મગદલ્લા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઈકચાલક યુવકનું મોત નિપજ્યું હતું. બ્રેડ લાઈનર સર્કલ પાસે બ્રીજ ઉતરતી વેળાએ બાઇક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા તેનું બાઇક ડીવાઈડરમાં અથડાયું હતું, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ 18 વર્ષીય પ્રિન્સ પટેલ તરીકે થઈ છે. પ્રિન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર PKR BLOGGERના નામથી જાણીતો હતો અને તે બાઈક રાઈડિંગના બ્લોગ્સ બનાવતો હતો. બ્રેડ લાઈનર સર્કલ પાસે બ્રીજ ઉતરતી વખતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું માથું અને ધડ અલગ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે પ્રિન્સ પટેલે હેલ્મેટ પહેર્યું ન હતું. જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચાવી શકાયો હોત. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે યુવકના પરિવાર અને મિત્રવર્તુળમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.