50 લાખ ડોલર આપો....બાંગ્લાદેશી જહાજને હાઈજેક કર્યા બાદ સોમાલિયન ચાંચિયાઓની માંગણી

March 26, 2024

ઢાકા: બાંગ્લાદેશના જહાજ એમ વી અબ્દુલ્લાને હાઈજેક કર્યા બાદ 25 ક્રુ મેમ્બરને છોડવા માટે દરિયાઈ ચાંચિયાઓએ 50 લાખ ડોલરની ખંડણીની માંગણી કરી છે. બાંગ્લાદેશી ધ્વજ સાથેના જહાજને તાજેતરમાં જ ચાંચિયાઓએ હાઈજેક કર્યુ હતુ. ચાંચિયાઓ આ જહાજને સોમાલિયા લઈ ગયા હતા. માલવાહક જહાજના 25 ક્રુ મેમ્બરો હજી પણ સોમાલિયાના ચાંચિયાઓના કબ્જામાં છે. તેમના પરિવારજનોએ તેમને છોડાવવા માટે સરકારની મદદ માંગી છે. હિન્દ મહાસાગરમાં સોમાલિયાના ચાંચિયાઓએ જહાજ પર કબ્જો જમાવ્યો હતો અને તેને સોમાલિયાના દરિયા કિનારે લઈ ગયા હતા. આ વેપારી જહાજ 55000 ટન કોલસો લઈને જઈ રહ્યુ હતુ. જહાજની માલિકી બાંગ્લાદેશની કંપનીની છે. બાંગ્લાદેશના માલવાહક જહાજને આ પહેલા 2010માં પણ સોમાલિયન ચાંચિયાઓએ ટાર્ગેટ કર્યુ હતુ. એમવી જહાન મોની નામના જહાજને હાઈજેક કર્યા બાદ 26 ક્રુ મેમ્બરોને બંધક બનાવ્યા હતા. તેમને છોડાવવા માટે ચાંચિયાઓએ લાખો ડોલર પડાવ્યા હતા અને 100 દિવસ પછી ક્રુ મેમ્બરોને મુક્ત કર્યા હતા. એમ વી અબ્દુલ્લા જહાજ ગયા સપ્તાહે હાઈજેક કરાયુ ત્યારે ભારતીય  નૌસેનાએ તરત જ તેની મદદ માટેના કોલનો જવાબ આપ્યો હતો. જોકે ચાંચિયાઓ ત્યાં સુધીમાં જહાજ સાથે છટકી ગયા હતા. ભારતીય નૌસેનાનુ કહેવુ છે કે ,અમે આ જહાજ પર નજર રાખી રહ્યા છે. નૌસેનાએ તાજેતરમાં જ અન્ય એક જહાજને ચાંચિયાઓની ચુંગાલમાથી છોડાવવાની સાથે સાથે 35 ચાંચિયાઓની ધરપકડ પણ કરી હતી.