ભારત સરકારે માલદીવને કરી 50 મિલિયન ડોલરની સહાય, મુઈજ્જુએ કરી હતી અપીલ

May 12, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા ટેન્શન વચ્ચે ભારતે માલદીવને 50 મિલિયન ડોલરની સહાય કરી છે. મુઈજ્જુ સરકારે લોન સહાય માટે અપીલ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા 50 મિલિયન યુએસ ડોલરના સરકારી ટ્રેઝરી બિલને વધુ એક વર્ષ માટે લંબાવી દીધું છે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે ટ્વિટ કરીને જાણકારી આપી. વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'હું વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ભારત સરકારનો 50 મિલિયન યુએસ ડોલરના ટ્રેઝરી બિલના રોલઓવર દ્વારા માલદીવને મહત્ત્વપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છું. આ સમયસર સહાય માલદીવ અને ભારત વચ્ચેના ગાઢ મિત્રતાના સંબંધોને પ્રતિબિંબિત કરે છે અને આર્થિક સ્થિતિસ્થાપકતા માટે નાણાકીય સુધારાઓ લાગુ કરવાના સરકારના પ્રયાસોને સમર્થન આપશે.' માલદીવમાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે, 'સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 17 માર્ચ, 2019/26 જૂન, 2019 ના રોજ માલદીવ સરકારના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા 50 મિલિયન ડોલરના સરકારી ટ્રેઝરી બિલને એક વર્ષ માટે સબ્સ્ક્રાઇબ કર્યું હતું. ત્યારબાદ આ સમયગાળાને 12 મે, 2025 સુધી લંબાવવામાં આવ્યો હતો. એવામાં હવે માલદીવ સરકારની વિનંતી પર, SBI એ કટોકટી નાણાકીય સહાય તરીકે બિલને વધુ એક વર્ષ એટલે કે 11 મે, 2026 સુધી લંબાવ્યું છે.'