પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, પાંચના કરૂણ મોત

April 17, 2025

પાટણ જિલ્લા માટે આજનો દિવસ ગોઝારો રહ્યો છે. સમી-રાધનપુર હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે આજે સમી-રાધનપુર હાઇવે પર એસ.ટી. બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી માતાના મઢે જતી રીક્ષાને બસે ટક્કર મારતાં રીક્ષામાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યું નીપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. 

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર તમામ 5 શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.