આસારામ સાથે 4 કલાકની મુલાકાત માટે ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને આપી મંજૂરી

October 18, 2024

સુરત : ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને પિતા આસારામને મળવા માટે માનવતાના ધોરણે હાઈકોર્ટે જામીન આપ્યા છે. સુરતની લાજપોર જેલમાં બંધ નરાધમ નારાયણ સાંઈને પિતા આસારામ સાથે જોધપુર જેલમાં ચાર કલાક મુલાકાત કરવાની મંજૂરી મળી છે. આમ, નારાયણ સાંઈને ચાર કલાકના જામીન મળતા 11 વર્ષ બાદ હવે નારાયણ સાંઈ અને આસારામનું મિલન થશે. પિતા-પુત્રની મુલાકાત દરમિયાન અન્યને હાજર ન રાખવા હુકમ કરાયો છે. નારાયણ સાંઈને માતા-બહેનને મળવાની મંજૂરી ન મળી. નારાયણ સાંઈની અરજી પર હાઇકોર્ટનો લેખિત આદેશ આપ્યો છે. નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે જ્યારે તેના પિતા આસારામ જોધપુર જેલમાં કેદ છે.

ચાર કલાકની મુલાકાત માટેની મંજૂરી મળતા નારાયણ સાંઈને સુરતથી હવાઈ માર્ગે જોધપુર લઈ જવાશે. સુરતની લાજપોર જેલથી જોધપુર જેલ જવા-આવવાનો ખર્ચ અને પોલીસ જાપ્તા સહિતની બાબતોને લઈ સચિન પોલીસ મથકે 5 લાખ જમા કરાવવા સૂચન કરવામાં આવ્યું છે. સચિન પોલીસ મથકે ડિપોઝિટ જમાં કરાવ્યા બાદ અવર જવરનો સમય-તારીખ અંગે પોલીસ નિર્ણય લેશે. જ્યારે 1 ACP, 1 PI, 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલના જાપ્તા સાથે નારાયણ સાંઈને જોધપુર જેલ લઈ જવાશે.