દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત હાઈ-એલર્ટ પર, રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં

November 11, 2025

દિલ્હીના લાલ કિલ્લા નજીક ચાલતી કારમાં થયેલા વિસ્ફોટની ઘટના બાદ ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને તાત્કાલિક અસરથી વધુ મજબૂત કરવામાં આવી છે. રાજ્યભરની પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે અને સંવેદનશીલ તથા જાહેર સ્થળો પર સઘન તપાસ (સર્વેલન્સ) હાથ ધરવામાં આવી છે. આ એલર્ટ ખાસ કરીને 9 નવેમ્બરના રોજ ગુજરાતમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપાયા હતા, તે પૃષ્ઠભૂમિમાં વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

રાજ્યભરમાં ધાર્મિક સ્થળો, મોટા મંદિરો, બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો અને એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ, ડૉગ સ્ક્વૉડ અને બોમ્બ સ્ક્વૉડની ટીમો દ્વારા આ તમામ મહત્વના સ્થળો પર ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. લોકોને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ગુજરાત-રાજસ્થાન સરહદ પર વિશેષ સતર્કતા રાખવામાં આવી છે. ખાસ કરીને મહેસાણા જિલ્લાની માવસરી બોર્ડર પર પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનનું માવસરી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી રાજ્યમાં કોઈ અનિચ્છનીય તત્વો કે શંકાસ્પદ સામગ્રી પ્રવેશી ન શકે. દિલ્હીની ઘટના બાદ મહેસાણા જિલ્લા પોલીસ પણ સંપૂર્ણપણે એક્શનમાં આવી ગઈ છે. સતર્કતાના ભાગરૂપે, મહેસાણામાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવા ભીડભાડવાળા સ્થળોએ સઘન ચેકિંગ અને પોલીસ માર્ચ કરવામાં આવી છે, જેથી લોકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે.