લીંબડીમાં ભારે વરસાદથી જાંબુ-રામરાજપરનો કોઝવે તૂટ્યો, 7 ગામ સંપર્ક વિહોણા

June 18, 2025

સુરેન્દ્રનગરમાં ચોમાસાની સિઝનના પહેલા વરસાદે કહેર મચાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદનું જોર જોવા મળ્યું. ભારે વરસાદને પગલે જાંબુ-રામરાજપર વચ્ચેનો કોઝવે તૂટ્યો. કોઝવે તૂટતા નળકાંઠાના 7 ગામનો સંપર્ક તૂટ્યો. ગ્રામજનો એકબાજુ વરસાદના પ્રકોપના સામનો કરી રહ્યા છે ત્યારે રસ્તાઓ તૂટતા જીવનજરૂરિ વસ્તુઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજયમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે નળકાંઠાના ગામોમાં તારાજી સર્જાઈ. જ્યારે જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફલો થયો. જાંબુ-રામરાજપર વચ્ચે કોઝવે પર પાણી ફરી અંતરિયાળ ગામોનો સંપર્ક તૂટયો. ગામથી ખેતરે જવાના કાચા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અને રસ્તાઓ ધોવાઇ ગયા છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. ભારે વરસાદના કારણે જન-જીવન ખોરવાયુ છે.