ન્યૂયોર્કમાં હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોનાં મોત

April 12, 2025

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં એક જ પરિવારના છ સભ્યોના મોત થયા. રિપોર્ટ અનુસાર, મૃતકોમાં ત્રણ બાળકો પણ હતા. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકો સ્પેનના એક જ પરિવારના હતા અને હેલિકોપ્ટર પાઇલટ પણ તેમની સાથે હતો. એએફપી અનુસાર, અકસ્માત બાદ બે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.

મેયર એડમ્સે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ અને કહ્યું, "હાલમાં તમામ છ લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને દુઃખની વાત છે કે તે બધાના મોત થયા છે." તેમણે તેને ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક અકસ્માત ગણાવ્યો. જોકે અધિકારીઓએ હજુ સુધી પીડિતોના નામ જાહેર કર્યા નથી, ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, હેલિકોપ્ટરમાં સ્પેનમાં સિમેન્સના ચેરમેન અને સીઈઓ ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની અને તેમના ત્રણ બાળકો સવાર હતા.