ઈઝરાયલ પર 250 રોકેટ ઝીંક્યા હિઝબુલ્લાહે, એરસ્ટ્રાઈકનો લીધો બદલો, 7 ઈજાગ્રસ્ત

November 25, 2024

યુદ્ધ વચ્ચે એરસ્ટ્રાઈકનો બદલો લેતાં હિઝબુલ્લાહે ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે. રવિવારે લગભગ 250 રોકેટ અને અન્ય હથિયારો વડે જોરદાર પલટવાર કરતાં ઈઝરાયલને હચમચાવી નાખ્યું હતું. આ હુમલામાં 7 ઈઝરાયલી નાગરિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.  છેલ્લા કેટલાક મહિનાઓમાં કરાયેલા હુમલાઓમાં આ સૌથી ભીષણ હુમલો હતો કેમ કે આ વખતે ઘણાં રોકેટ ઈઝરાયલના મધ્ય ભાગ તેલ અવીવ સુધી પહોંચી ગયા હતા. ઈઝરાયલની મેગન ડેવિડ એડોમ રેસ્ક્યૂ સર્વિસે કહ્યું કે હિઝબુલ્લાહના હુમલામાં સાત લોકો ઘાયલ થયા છે. યુદ્ધવિરામ માટે મંત્રણાકારો દ્વારા દબાણ બનાવાતા હિઝબુલ્લાહે આ હુમલો બેરુતમાં ઈઝરાયલી હુમલાના જવાબમાં કર્યો હતો. આ દરમિયાન લેબેનોનની સેનાએ જણાવ્યું હતું કે, રવિવારે ઇઝરાયલી હુમલામાં એક લેબનીઝ સૈનિક માર્યો ગયો હતો અને 18 અન્ય ઘાયલ થયા હતા. ઈઝરાયલની સેનાએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ હુમલો હિઝબુલ્લા વિરુદ્ધ યુદ્ધ ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો. સેનાનું ઓપરેશન માત્ર ઉગ્રવાદીઓ સામે જ છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલના હુમલામાં 40 થી વધુ લેબનીઝ સૈનિકો માર્યા ગયા છે. જો કે, લેબનીઝ સેના મોટાભાગે યુદ્ધથી દૂર રહી છે.