ઉત્તર પ્રદેશમાં ફટાકડા ફેક્ટ્રીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત

July 24, 2026

સહારનપુર - ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના ગંગોહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નયા ગામમાં શુક્રવારે એક ફટાકડા ફેક્ટ્રીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. ધમાકો એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને સમગ્ર વિસ્તાર ધ્રુજી ઊઠ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.


વિસ્ફોટની તીવ્રતાના કારણે ફેક્ટ્રીનો એક ભાગ પત્તાની જેમ ધરાશાયી થઈ ગયો હતો. ઘટના બાદ ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. કાટમાળ હેઠળ વધુ લોકો દબાયા હોવાની આશંકાથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરીને તપાસ હાથ ધરી છે. હાલમાં વિસ્ફોટ કયા કારણોસર થયો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. સત્તાવાળાઓ એ વાતની પણ તપાસ કરી રહ્યા છે કે ફેક્ટ્રી પાસે માન્ય લાયસન્સ હતું કે નહીં અને ત્યાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં.