'મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ, 15-15 કરોડમાં ખરીદાયા..', સંજય રાઉતનો ચોંકાવનારો દાવો

June 17, 2026

મહારાષ્ટ્રમાં શિવસેનાના 60મા સ્થાપના દિવસ (19 જૂન) પહેલા ઉદ્ધવ ઠાકરેને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના કુલ 9 સાંસદોમાંથી 6 સાંસદો બળવો કરવાના મૂડમાં હોવાના અહેવાલોથી રાજકારણ ગરમાયું છે. આ અટકળો વચ્ચે યુબીટીના ફાયરબ્રાન્ડ સાંસદ સંજય રાઉતે સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, સાંસદોને પક્ષ બદલવા માટે 15-15 કરોડ રૂપિયાની ઓફર (એડવાન્સ) કરવામાં આવી રહી છે. રાઉતે આ પોસ્ટમાં 'અપના સપના મની મની' લખીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ટેગ કર્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ગુટના 6 બળવાખોર સાંસદો એક અલગ જૂથ બનાવશે અને ત્યારબાદ સત્તાવાર રીતે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં પોતાનો વિલય કરશે. આ ઓપરેશનને અંજામ આપવા માટે બે નારાજ સાંસદો - પરભણીના સાંસદ સંજય ઉર્ફે બંધુ જાધવ અને યવતમાલ-વાશિમના સાંસદ સંજય દેશમુખ ચાર્ટર્ડ પ્લેન દ્વારા દિલ્હી પહોંચી ચૂક્યા છે. આ તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ મુંબઈથી દિલ્હી જવા રવાના થયા છે. બુધવારે સવારે દિલ્હીમાં શ્રીકાંત શિંદેના નિવાસસ્થાને આ નારાજ સાંસદોની એક મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં એકનાથ શિંદે પણ હાજર રહેશે. બેઠક બાદ આ તમામ સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને અલગ જૂથની માન્યતા માંગી શકે છે.આ ભંગાણના સંકેતો ત્યારે સ્પષ્ટ થયા જ્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાના તમામ 9 સાંસદોને તાકીદની બેઠક માટે 'માતોશ્રી' ખાતે તેડાવ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે, આ બેઠકમાં રૂબરૂ માત્ર 4 જ સાંસદો પહોંચ્યા હતા, જેમાં અરવિંદ સાવંત, અનિલ દેસાઈ, રાજાભાઉ વાજે અને સંજય દીના પાટીલ સામેલ હતા. સાંસદ ઓમરાજે નિમ્બાલકર બેઠકમાં ગેરહાજર રહ્યા હતા, જ્યારે દિલ્હી પહોંચેલા સંજય દેશમુખ અને નાગેશ પાટીલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હોવાનું જણાવાયું હતું.જો આ 6 સાંસદો સત્તાવાર રીતે પક્ષ છોડશે, તો ઉદ્ધવ ઠાકરે માટે છેલ્લા ચાર વર્ષમાં આ બીજો સૌથી મોટો રાજકીય આંચકો હશે. આ પૂર્વે જૂન 2022માં એકનાથ શિંદેએ 40 ધારાસભ્યો સાથે બળવો કરીને ઉદ્ધવ ઠાકરેની સરકાર પાડી દીધી હતી અને હવે આ બીજી મોટી તૂટ સાંસદ સ્તરે થવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં આ સમગ્ર ઘટનાક્રમને 'ઓપરેશન ટાઇગર' નામ આપવામાં આવ્યું છે.