‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

June 17, 2026

સોહા અલી ખાનના એક પોડકાસ્ટમાં જાણીતી અભિનેત્રી અને પર્યાવરણ કાર્યકર દિયા મિર્ઝાએ ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો અને પિતૃસત્તાક સમાજને જવાબદાર ઠેરવ્યો છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તે ભારે ટીકાનો ભોગ બની છે. હાલ ઇન્ટરનેટ પર એક વર્ગ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યો છે, તો બીજો વર્ગ તેના સમર્થનમાં ઊભો છે. ચાલો સમજીએ કે આખો વિવાદ શું છે.  આ વિવાદ સોહા અલી ખાનના પોડકાસ્ટની એક વીડિયો ક્લિપ વાયરલ થવાથી શરૂ થયો, જેમાં દિયા મિર્ઝા પર્યાવરણના બગડતા સંતુલન વિશે વાત કરી રહી છે. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે ‘આ દુનિયામાં આબોહવા પરિવર્તન પુરુષો દ્વારા જ થયું છે. આ અરાજકતા માટે સંપૂર્ણપણે પિતૃસત્તા (Patriarchy) જવાબદાર છે.’ આ દરમિયાન સોહા અલી ખાને પૂછ્યું કે, ‘શું તમે પુરુષ અહંકારની વાત કરો છો?’ ત્યારે દિયાએ કહ્યું કે, ‘હા, પુરુષો દ્વારા જ ક્લાઈમેટ ચેન્જ કે ગ્લોબલ વૉર્મિંગને પ્રોત્સાહન મળ્યું છે. દુનિયામાં ફેલાયેલી અરાજકતા અને લોકો જે દુઃખ ભોગવી રહ્યા છે, તેના માટે પુરુષો જ જવાબદાર છે. ફક્ત ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) જ નહીં, પરંતુ ગ્લોબલ નોર્થ (વિકસિત દેશો) પણ હવે વૈશ્વિક સ્તરે આનો સામનો કરી રહ્યા છે.’  દિયાએ ક્લાઈમેટ ચેન્જ જેવી જટિલ વૈજ્ઞાનિક અને વૈશ્વિક સમસ્યાને સીધી પુરુષો અને પિતૃસત્તાક સમાજ સાથે જોડી દીધી હોવાથી લોકો તેના પર આકરા પ્રહારો કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, ક્લાઈમેટ ચેન્જ એ વૈશ્વિક સમસ્યા છે, જેમાં સરકારો, મોટી કંપનીઓ અને ઉપભોક્તા તરીકે સ્ત્રી અને પુરુષ બંને સમાન રીતે ભાગીદાર છે. આમાં માત્ર એક જ લિંગ (Gender)ને દોષિત ઠેરવવું અન્યાયી છે.