વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં

July 19, 2025

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ વ્યાપમ કૌભાંડમાં પોતાનું નામ કેવી રીતે સંડોવાયું તે અંગે CBI તપાસની માગ કરી છે. તેમણે મધ્ય પ્રદેશ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. રાજધાની ભોપાલમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 'કમ સે કમ CBI એટલી તપાસ તો કરે કે, આ વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે આવ્યું. હું આજ સુધી એ સમજી નથી શકી કે મારું નામ કેવી રીતે આવ્યું.' તેમણે કહ્યું કે, 'હું ઈચ્છું છું કે, CBI આ સત્યની તપાસ કરે કે મારું નામ કેવી રીતે આવ્યું. CBIની ઈમાનદારી પર મને પૂર્ણ વિશ્વાસ છે પરંતુ મધ્ય પ્રદેશ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કારનામું કેવી રીતે કર્યું તે એક મોટો સવાલ છે.' ઉમા ભારતીએ આગળ કહ્યું કે, 'શું મારા નામની આડમાં ઘણા નામ છોડી દેવામાં આવ્યા હતા? મારું નામ શા માટે આગળ કરવામાં આવ્યું તે જાણવું ખૂબ જ જરૂરી છે. હું સૌથી વધુ દુ:ખી મારી માતાના નિધન પર થઈ હતી અને ત્યારબાદ વ્યાપમ કૌભાંડમાં મારું નામ આવવા પર મને સૌથી વધુ દુ:ખ થયું. તે વખતે મારી આંખમાં પાણી આવી ગયા હતા.'