IB ચીફ તપન ડેકાનો કાર્યકાળ ફરી લંબાવાયો, હવે જૂન 2026 સુધી નિભાવશે જવાબદારી

May 20, 2025

કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરો(IB)ના ડિરેક્ટર તપન કુમાર ડેકાને એક વર્ષનો કાર્યકાળ લંબાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ તેમના સેવા વિસ્તરણને મંજૂરી આપી છે. હવે ડેકા 30 જૂન 2026 સુધી આ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ 30 જૂને પૂરો થવાનો હતો. આ સતત બીજી વખત છે જ્યારે ડેકાને તેમની ઉત્તમ કાર્યશૈલી અને દેશની આંતરિક સુરક્ષામાં યોગદાનને કારણે સેવામાં એક વર્ષનું વિસ્તરણ આપવામાં આવ્યું છે. તેમનું નેતૃત્વ કેન્દ્ર સરકાર માટે વિશ્વસનીય અને અસરકારક સાબિત થયું છે.

તપન કુમાર ડેકા હિમાચલ પ્રદેશ કેડરના 1988 બેચના IPS અધિકારી છે. તેમને પહેલી વાર જૂન 2022 માં બે વર્ષના સમયગાળા માટે IB ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડેકાએ તેમની કારકિર્દીનો મોટાભાગનો સમય ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વિતાવ્યો છે. તેમણે આતંકવાદ અને ઉગ્રવાદને લગતાં ઘણા મહત્ત્વપૂર્ણ કેસ સંભાળ્યા છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને ટાર્ગેટ કિલિંગ સંબંધિત કેસોમાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી છે.