નક્સલીઓ હથિયાર છોડી સરેન્ડર કરે નહીં તો ખાત્મો બોલાવાશે : અમિત શાહ

December 16, 2024

બસ્તર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નક્સલીઓને આકરો સંદેશો આપતા કહ્યું હતું કે સરેન્ડર કરી હથિયારો છોડો નહીં તો આકરા પરિણામો માટે તૈયાર રહો. છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના કાર્યક્રમમાં પોતાના ભાષણમાં અમિત શાહે કહ્યું હતું કે હું નક્સલીઓને વિનંતી કરુ છું કે તેઓ હથિયારો છોડે, આગળ આવે અને સરેન્ડર કરે. નહીં તો સુરક્ષાદળો તેમને કચડી નાખશે. નક્સલ પ્રભાવિત બસ્તરના હેડક્વાર્ટરમાં ગૃહ મંત્રીએ આ સાથે જ દાવો કર્યો હતો કે વર્ષ માર્ચ ૨૦૨૬ સુધીમાં દેશને નક્સલવાદથી મૂક્ત કરી દઇશું. નક્સલવાદથી દેશને મૂક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ માટે છત્તીસગઢ પોલીસ કટિબદ્ધ છે. વિસ્થાપન માટેની છત્તીસગઢ સરકારની નીતિ સૌથી શ્રેષ્ઠ છે. જો નક્સલીઓ હથિયાર છોડીને સરેન્ડર કરશે તો તેમને મુખ્ય પ્રવાહમાં આવીને દેશના વિકાસમાં ભાગીદાર થવાની તક અપાશે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે નક્સલવાદ સામેની કાર્યવાહી બહુ જ નબળી પડી ગઇ હતી. જોકે બાદમાં ભાજપની સરકારે સત્તા સંભાળ્યા પછી કાર્યવાહીએ ગતિ પકડી છે. છેલ્લા એક વર્ષમાં ૨૮૭ નક્સલીઓને ઠાર કરાયા, જ્યારે ૯૯૨ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ ૮૩૬ નક્સલીઓને સરેન્ડર કર્યું છે. અમિત શાહે કહ્યું હતું કે જો બસ્તર નક્સલવાદથી મૂક્ત થઇ જશે તો અહીંયા કાશ્મીર કરતા પણ વધુ પર્યટકો આવશે કેમ કે બસ્તર કુરતી રીતે જ સુંદર છે. હાલમાં લોકો ચર્ચા કરી રહ્યા છે કે બસ્તર બદલાઇ રહ્યું છે પરંતુ હું લોકોને ખાતરી આપવા માગુ છું કે જ્યારે માર્ચ ૨૦૨૬માં હું બસ્તર આવીશ ત્યારે આ વિસ્તાર બદલાઇ ચુક્યો હશે. જે દિવસે છત્તીસગઢ નક્સલવાદથી મૂક્ત થશે ત્યારે સંપૂર્ણ દેશ આ દુષણથી મૂક્ત થશે.