લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

November 25, 2025

રાજ્યમાં હાલ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. એવામાં ખાદ્યતેલના ભાવમાં ભારે ઉછાળા સાથે પરિવારના લગ્નનું બજેટ ખોરવાઇ શકે છે. આ વર્ષે મગફળીની આવક વચ્ચે તેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. છેલ્લાં 15 દિવસમાં જ સિંગતેલના ડબ્બાના ભાવમાં 210 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.  મળતી માહિતી મુજબ, સિંગતેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ જે પહેલાં 2415 રૂપિયા હતો તે હવે 2625 થઈ ગયો છે. એટલે કે, કુલ 210 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સિવાય ઘાણી સિંગતેલનો ભાવ પણ 3000 સુધી પહોંચી ગયો છે. જોકે, સૌરાષ્ટ્રમાં મગફળીની સારી  આવક થઈ હોવા છતાં બજાર ભાવમાં વધારો થવો એ નવાઈની વાત છે.  નોંધનીય છે કે, સિંગતેલની સાથે જ તેના કાચા માલ એવા મગફળીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. યાર્ડમાં મગફળીના ભાવમાં પ્રતિ મણ દીઠ 200 રૂપિયાનો વધારો થયો છે. ઓર્ગેનિક અને ઘાણીમાંથી તૈયાર થતા સિંગતેલનો ભાવ આજે 3,000 સુધી પહોંચી ગયો છે, જે બજારમાં ગૃહિણીઓના બજેટ પર નકારાત્મક અસર ઊભી કરશે.