ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટરની છેડતી, બાઈક પર આવેલા બદમાશોએ કર્યા અડપલાં

October 25, 2025

 મહિલા વર્લ્ડ કપ 2025 દરમિયાન મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં શનિવારે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાનારી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરો સાથે રોડ પર બાઇક સવાર એક યુવકે છેડતી કરી હોવાના સમાચાર મળ્યા છે. આ બનાવમાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને ઈન્દોરના આઝાદ નગર નિવાસી અકીલની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે ખજરાના રોડ પર બની હતી. ઓસ્ટ્રેલિયાની બંને મહિલા ક્રિકેટર હોટલથી પગપાળા એક કેફે તરફ જઈ રહી હતી. એ સમયે સફેદ શર્ટ અને કાળી કેપ પહેરેલો બાઇક સવાર તેમનો પીછો કરવા લાગ્યો. તેણે ઝડપથી આવીને એક મહિલા ક્રિકેટરને ખોટી રીતે સ્પર્શ કર્યો. આ ઘટનાથી બંને ખેલાડીઓ ડરી ગઈ અને તેમણે તરત જ ઓસ્ટ્રેલિયન ટીમના સિક્યુરિટી મેનેજર ડેની સિમન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બન્યા બાદ, રોડ પર હાજર એક વ્યક્તિએ તેની બાઇકનો નંબર નોંધી લીધો હતો, જ્યારે એક કાર સવારે આ અંગેની સૂચના પોલીસને આપી હતી.