નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો

November 06, 2025

સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકનો પર્યાય બનેલા માથાભારે ગુનેગાર સલમાન લસ્સીને આખરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નવસારીના ડાભેલ ગામમાં છુપાયેલા લસ્સીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેણે જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં તે ઘાયલ થયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સલમાન લસ્સી વિરૂદ્ધ હત્યા, હત્યાની કોશિશ, ખંડણી અને મારામારી સહિતના 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે લાંબા સમયથી વોન્ટેડ હતો. તે ભેસ્તાન ભીંડી બજાર ખાતે થયેલી શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય આરોપી હતો.

ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં સંતાઇને રહેતો હતો. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમોએ આજે (6 નવેમ્બર) વહેલી સવારે 3 વાગ્યે ડાભેલ ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું.