IND vs UAE: એશિયા કપમાં આજે ટીમ ઈન્ડિયા અને UAE વચ્ચે મુકાબલો, પહેલાં બોલિંગ કરનારની થાય છે જીત!

September 10, 2025

એશિયાકપ 2025ની શરૂઆત ગઈ કાલ એટલે કે 9 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. પહેલી મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગ સામે 94 રનથી જીતી મેળવી હતી. હવે આજે(10 સપ્ટેમ્બર) ટીમ ઈન્ડિયાનો સામનો UAE સામે થવાનો છે. ભારત અને UAE વચ્ચે એશિયા કપ 2025ની બીજી મેચ અને ટીમ ઈન્ડિયાની પહેલી મેચ દુબઈના મેદાનમાં રમાવા જઇ રહી છે. ચાલો જાણીએ કે દુબઈની પીચ કેવી રહેવાની છે અને સાથે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11 કેવી હોય શકે છે...   ભારત અને UAE વચ્ચે અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં માત્ર એક મેચ રમાઈ છે.

જેમાં UAE ટીમને વર્ષ 2016 માં ટીમ ઈન્ડિયા સામે નવ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી આજે UAEની ટીમ બીજીવાર ભારત સામે મેચ રમશે. દુબઈની પીચની વાત કરીએ તો અહીં થોડું ઘાસ હશે. જેના કારણે ઝડપી બોલરોને વધારાની મદદ મળી શકે છે. દુબઈની પીચમાં હંમેશા સ્પિનરોને વિકેટ લેવામાં મદદ મળતી હોય છે. પરંતુ આ વખતે પીચમાં ઘાસ છે, તો ઝડપી બોલરોને વિકેટ લેવામાં મદદ મળી શકે છે. પણ હાલની પીચને જોતા સ્પિનર બોલરોને પણ વિકેટ ઝડપવામાં સફળતા મળી શકે છે.

એટલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં એક કે બે નહીં ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારવા પડી શકે છે. અને આવશ્યકતા હોય તો અભિષેક પાસેથી પણ બોલિંગ કરાવવી પડી શકે છે.