કોંગ્રેસની રેલીમાં PM મોદીનું અપમાન, સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ: જે. પી. નડ્ડાની સંસદમાં માંગ

December 15, 2025

સંસદના શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયાની શરુઆત સોમવારે (15મી ડિસેમ્બર) હંગામા સાથે થઈ. લોકસભા શરુ થયા પછી સ્પીકર ઓમ બિરલાએ પૂર્વ લોકસભા સાંસદોના નિધન બદલ શોક સંદેશો વાંચ્યા. સંસદ સભ્યોએ તેમના માનમાં મૌન પાળ્યું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત અપમાનને લઈને લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં, ગૃહના નેતા અને કેન્દીય આરોગ્ય મંત્રી જે. પી નડ્ડાએ સોનિયા ગાંધી પાસેથી માફીની માંગ કરી હતી.  રાજ્યસભાની કાર્યવાહી શરુ થયા પછી ગૃહના ફ્લોર પર અનેક કાયદાકીય કાગળો મૂકવામાં આવ્યા. ત્યારબાદ ગૃહના નેતા જે. પી. નડ્ડાએ કોંગ્રેસ પાર્ટીની રેલીમાં કરવામાં આવેલી ટિપ્પણીનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું, 'કોંગ્રેસ પાર્ટીની રેલીમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, 'મોદી, તમારી કબર ખોદવામાં આવશે, આજે નહીં તો કાલે.' આવા સૂત્રો કોંગ્રેસ પાર્ટીની વિચારસરણી અને માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. આ મોટા નેતાઓની હતાશાને પણ પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન વિરુદ્ધ આવી વાતો કરવી અને તેમના મૃત્યુની ઇચ્છા કરવી ખૂબ જ નિંદનીય છે.' નોંધનીય છે કે, તેમણે વિપક્ષના નેતા અને કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધીએ આ ઘટના માટે દેશની માફી માંગવી જોઈએ.' કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે ​​લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત અપમાનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે '2014માં એક ભાજપના સાંસદે તેમના વિરોધીઓનું વર્ણન કરવા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સખત નારાજગી વ્યક્ત કરતાં, વડાપ્રધાને ભાજપ નેતાને માફી માંગવા કહ્યું, અને ભાજપ નેતાએ માફી માંગી.'