IPL 2024: પંજાબ કિંગ્સે રિષભ પંતની દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટે હરાવી, સેમ કુરાનની ફિફ્ટી

March 23, 2024

પંજાબ કિંગ્સની જીતના હીરો સેમ કુરન અને લિયામ લિવિંગસ્ટોન રહ્યા હતા

દિલ્હી- આઈપીએલ 2024ની બીજી મેચમાં પંજાબ કિંગ્સે( PBKS) દિલ્હી કેપિટલ્સને (DC) હરાવીને વિજયી શરૂઆત કરી હતી.આ મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સની જીતના હીરો સેમ કુરન અને લિયામ લિવિંગસ્ટોન રહ્યા હતા. ઈંગ્લેન્ડના આ ખેલાડીઓની મદદથી પંજાબ કિંગ્સે ચાર બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ તરફથી ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે ઈનિંગની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાના બંને ખેલાડીઓએ દિલ્હીને શાનદાર શરૂઆત અપાવી હતી. વોર્નરે 21 બોલમાં 29 રનની ઈનિંગ રમી હતી અને માર્શે 12 બોલમાં 20 રનની ઈનિંગ રમી હતી. રિષભ પંત લાંબા સમય બાદ મેદામાં પરત ફર્યો હતો, પરંતુ તે 13 બોલમાં 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શે હોપે પણ 25 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ અભિષેક પોરેલ સૌથી વધુ પ્રભાવિત થયો હતો. અભિષેકે માત્ર 10 બોલમાં 32 રન બનાવ્યા જેમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતી. 

પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને બીજી ઈનિંગ સારી શરૂઆત અપાવી હતી. તેમણે 16 બોલમાં 22 રન બનાવ્યા હતા, પરંતુ જોની બેયરસ્ટો 3 બોલમાં 9 રન બનાવીને રનઆઉટ થયો હતો. મધ્ય ઓવરોમાં પંજાબનો રન રેટ ઘણો નીચો રહ્યો અને વિકેટો પડતી રહી. પ્રભસિમરન સિંહે 17 બોલમાં 26 રન બનાવ્યા હતા, પરંતુ સેમ કુરનની ઈનિંગે પંજાબ કિંગ્સને મેચમાં ટકાવી રાખી હતી. તેણે 47 બોલમાં 63 રનની ઈનિંગ રમી હતી. દરમિયાન ખલીલ અહેમદે 19મી ઓવરમાં સતત 2 વિકેટ લઈને મેચને રોમાંચક બનાવી દીધી હતી. લિયામ લિવિંગસ્ટોનની 21 બોલમાં 38 રનની ઇનિંગને કારણે પંજાબ કિંગ્સે અંતે 4 વિકેટે જીત મેળવી હતી.