શું ટ્રમ્પને કારણે અમેરિકાના નાગરિકો દેશ છોડી રહ્યા છે, 21 વર્ષમાં પહેલી વખત ચોંકાવનારો આંકડો

May 24, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકાના પ્રમુખ તો બની ગયા પરંતુ તેમના પ્રમુખ બન્યા બાદ મોટી સંખ્યામાં અમેરિકના નાગરિકો અમેરિકા છોડીને બ્રિટિશ નાગરિકતા મેળવવા માંગે છે. ગયા વર્ષનો સત્તાવાર ડેટા દર્શાવે છે કે અમેરિકાના નાગરિકો તરફથી બ્રિટિશ નાગરિકતા મેળવવા માટે અત્યાર સુધીની સૌથી વધુ અરજીઓ આવી છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુકે હોમ ઓફિસના તાજેતરના ડેટા અનુસાર, જાન્યુઆરીથી માર્ચ 2025 દરમિયાન  1931 અમેરિકના નાગરિકોએ બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરી હતી. આ આંકડો છેલ્લા 21 વર્ષમાં સૌથી વધુ છે અને 2004 પછી પહેલી વાર આટલી મોટી સંખ્યામાં અરજીઓ મળી છે. આ સંખ્યા છેલ્લા ત્રણ મહિના કરતાં 12% વધુ છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ જ સમયગાળા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા હતા. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી અમેરિકન નાગરિકોએ દેશ છોડવાનું શરૂ કર્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. તેમના પહેલા કાર્યકાળ દરમિયાન, ખાસ કરીને કોવિડ-19ના સમયગાળા દરમિયાન, યુએસ નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો હતો. 2020 ના પ્રથમ 6 મહિનામાં 5800 થી વધુ અમેરિકનોએ નાગરિકત્વનો ત્યાગ કર્યો, જે 2019 કરતા ત્રણ ગણું વધારે છે. અમેરિકાના લોકો ફક્ત રાજકારણથી જ નહીં, પણ ટેક્સ સિસ્ટમ, આરોગ્ય સુવિધાઓની સ્થિતિ અને સામાજિક વાતાવરણથી પણ પરેશાન છે. એક એકાઉન્ટિંગ ફર્મ અનુસાર, અમેરિકા છોડીને ગયેલા આ એવા લોકો છે જેમણે પહેલાથી જ દેશ છોડી દીધો છે અને હવે બીજા દેશમાં કાયમી રીતે સ્થાયી થવા માંગે છે. તેમજ યુકેમાં 'સેટલ્ડ સ્ટેટસ' મેળવનારા અમેરિકનોની સંખ્યા 2024 માં 5500 થી વધુ હતી, જે ગયા વર્ષ કરતા 20% વધુ છે.