ગાઝાના ખાન યુનિસમાં ઈઝરાયલી હુમલો, 36ના મોત, દક્ષિણ લેબનોનમાં 3 પત્રકારોના મોત

October 26, 2024

ગાઝા પર ઈઝરાયલનો હુમલો ચાલુ છે. શુક્રવારે થયેલા હુમલામાં 36 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સાથે શુક્રવારે ઈઝરાયલના હુમલામાં લેબનોનમાં ત્રણ પત્રકારોના મોત થયા છે. બીજી તરફ ગાઝામાં પુરવઠાની અછત છે. જેના કારણે ચિંતા વધી છે.

ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર લોકો દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં એક બેકરીની બહાર બ્રેડ માટે લાઈનમાં ઉભા હતા. તે દરમિયાન તેમના પર હુમલો થયો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું કે, ઈઝરાયલે હમાસને ખતમ કરવાનો તેનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી લીધો છે અને બન્ને પક્ષોને વાતચીત ફરી શરૂ કરવાની વિનંતી કર્યા બાદ આ હુમલો થયો છે.

બીજી તરફ દક્ષિણ-પૂર્વ લેબનોનમાં પત્રકારો જ્યાં રોકાયા હતા તે ગેસ્ટહાઉસ પર ઈઝરાયલે હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ મીડિયાકર્મીઓના મોત થયા હતા. આ ઈમારત હુમલામાં સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ છે. હુમલા બાદ તેમના પર પ્રેસ લખેલી કાર ધૂળ અને કાટમાળથી ઢંકાયેલી હતી. ઈઝરાયલની સેનાએ હુમલા પહેલા કોઈ ચેતવણી આપી ન હતી. લેબનીઝ રાજકારણીઓના પ્રતિનિધિઓએ ઈઝરાયલ પર યુદ્ધ અપરાધો અને ઈરાદાપૂર્વક પત્રકારોને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો.