જૂનાગઢ: મહાદેવ ભારતી બાપુ 3 દિવસે જંગલમાંથી મળ્યા, સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

November 05, 2025

જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ (2 નવેમ્બર) વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા અને તેમના નિવાસસ્થાનેથી ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. 3 દિવસની સઘન શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને SDRFનું મેગા સર્ચ ઑપરેશન બાપુની ભાળ મેળવવા માટે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગીરનારના જંગલમાં વ્યાપક સ્તરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જેમાં 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ સંયુક્ત ઑપરેશનમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન વિભાગના કર્મચારીઓ સામેલ થયા હતા. સર્ચ ઑપરેશનની શરૂઆત જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી કરવામાં આવી હતી. પોલીસની ટીમોએ ગિરનાર પર આવેલી વિવિધ જગ્યાઓ જેવી કે જટાશંકર મંદિર, વેલનાથ સમાધિ વિસ્તાર, માજનનું પરાગ, નખલી કેડી, ઓરિયો કૂવા વાળો વિસ્તાર અને જાંબુડા તળાવ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત, પોલીસે ગિરનાર પર હાજર શ્રદ્ધાળુઓ અને લોકોના ફોટા પાડી તેમનું વેરિફિકેશન પણ કર્યું હતું. ત્રણ દિવસની અથાગ મહેનત બાદ આખરે મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
2 નવેમ્બરે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભારતી આશ્રમના ટ્રસ્ટીને ફોન કરીને જણાવ્યું હતું કે ‘હાલ હું જટાશંકર નજીક છું. મને અહીંથી લઇ જાઓ. મારી ભૂલ થઇ ગઇ છે. મારે આશ્રમ આવવું છે.’  આ ફોન કોલ પછી ભારતી આશ્રમના સંચાલકો અને સેવકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સેવકગણ તેમના છેલ્લા લોકેશન જટાશંકર પહોંચ્યા હતા. જો કે, મહાદેવ ભારતી બાપુ ત્યાંથી પણ નીકળી ગયા હતા. આ દરમિયાન પોલીસે મોબાઇલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે બાપુની શોધખોળ શરૂ કરી. પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન, સીસીટીવી ફૂટેજ, બાતમીદારો સહિતની ટીમને કામે લગાડી મહાદેવ ભારતીની શોધખોળ કરાઈ હતી. અનેક સાધુ-સંતો મહાદેવ ભારતીને શોધવા માટે તથા તેને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા હતા પરંતુ હજુ સુધી તેનો કોઈ પતો લાગ્યો ન હતો.