લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર

October 23, 2024

પાકિસ્તાનના સાંસ્કૃતિક હબ ગણાતા શહેર લાહોરને વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર જાહેર કરાયું છે. તેનો 394નો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ઘણો વધુ છે. સામાન્યપણે 150થી વધુના એક્યુઆઈને સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. આ જોખમી સ્મોગ માટે મુખ્યત્વે ખેડૂતો દ્વારા પરાળી બાળવાની ક્રિયા તેમજ ઔદ્યોગિક ઉત્સર્જનને જવાબદાર માનવામાં આવે છે જેના કારણે સમગ્ર શહેરના રહેવાસીઓમાં ખાંસી, શ્વાસની તકલીફ અને આંખની બળતરા જેવી સમસ્યા જોવા મળી રહી છે.

આ કટોકટીનો સામનો કરવા મરયમ નવાઝના નેતૃત્વ હેઠળની પંજાબ સરકારે સ્મોગના સ્તર ઘટાડવા કૃત્રિમ વરસાદ સહિત એકથી વધુ અભિયાન શરૂ કર્યા છે. વધુમાં સરકારે સ્મોગ વિરોધી ટૂકડીની રચના કરી છે જે ખેડૂતોને પરાળી બાળવાના જોખમ વિશે માહિતગાર કરશે. તેઓ પરાળીના નિકાલ માટે સુપર સીડર્સ જેવા વૈકલ્પિક પગલા સૂચવશે.