લિવ-ઇન પાર્ટનરને પણ મળશે પત્ની જેવો હક્ક, 498A લગ્ન સુધી સીમિત નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

August 04, 2026

સુપ્રીમ કોર્ટે સોમવારે (૦૩ ઓગસ્ટ) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498Aનો વ્યાપ વધારતા જણાવ્યું છે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી પાર્ટનરને પણ પત્ની જેવો અધિકાર મળી શકે છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી કોઈપણ વ્યક્તિ પર પોતાની મહિલા પાર્ટનર સાથે ક્રૂરતા કરવા બદલ કેસ ચલાવી શકાય છે, જો તે સંબંધ લગ્ન જેવો હોય અને બંને પક્ષોનો એકબીજા સાથે લગ્ન કરવાનો ઇરાદો હોય. આ ચુકાદો તે સવાલની સુનાવણી દરમિયાન આવ્યો કે શું લિવ-ઇન રિલેશનમાં રહેતી કોઈપણ વ્યક્તિ પર ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 498A હેઠળ કેસ ચલાવી શકાય છે કે નહીં. જસ્ટિસ સંજય કરોલ અને એન. કોટીશ્વર સિંહની બેન્ચે ચુકાદો આપ્યો કે કાયદેસર રીતે માન્ય લગ્ન ન થયા હોવા છતાં આવા સંબંધો પર ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A લાગુ થશે. કોર્ટે કહ્યું, 'કલમ 498A એવા લિવ-ઇન સંબંધો પર લાગુ થાય છે જેને લગ્ન જેવા સંબંધો ગણવામાં આવે છે, અને જેમાં લગ્ન કરવાનો ઇરાદો તે સંબંધનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે.'જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે દરેક લિવ-ઇન રિલેશનશિપ પર આ દંડાત્મક જોગવાઈ લાગુ થશે નહીં. આ સાબિત કરવાની શરૂઆતની જવાબદારી તે મહિલાની રહેશે જે કાયદા હેઠળ સુરક્ષા ઈચ્છે છે અને એ બતાવવા માંગે છે કે બંને પક્ષોનો લગ્ન કરવાનો ઇરાદો હતો.