માફિયા ડોન મુખ્તાર અંસારીનું કાર્ડિયક અરેસ્ટથી મોત, ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં હાઈએલર્ટ

March 29, 2024

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં સજા ભોગવી રહેલા માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીનું કાર્ડિયક એરેસ્ટથી મોત થયું છે. મુખ્તારને ઉલ્ટી થયા બાદ તે બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ તેને તુરંત રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં ઈમરજન્સી વૉર્ડમાં ખસેડાયો હતો. જોકે 9 ડૉક્ટરની ટીમે ઘણા પ્રયાસો કરવા છતાં તેનું કાર્ડિયક એરેસ્ટથી મોત થયું છે. તો બીજીતરફ મંગળવારે પરિવારજનોએ મુખ્તારને ધીમુ ઝેર આપતા હોવાનો જેલ તંત્ર પર આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત મુખ્તારે પણ પોતાને ધીમુ ઝેર આપતા હોવાનો જેલ વહિવટીતંત્ર પર આક્ષેપ કર્યો હતો. 

અગાઉ મંગળવારે પણ તેની તબિયત લથડતા રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં ભરી કરાયો હતો. તેને સ્ટૂલ સિસ્ટમની સમસ્યા હતી. તેને આઈસીયુમાં રાખી 14 કલાક સારવાર કરાઈ હતી. મંગળવારે મેડિકલ ચેકઅપ દરમિયાન મુખ્તાર અંસારીના પેટનું બે વખત એક્સરે અને બ્લડ સેમ્પલ કલેક્ટર કરાયું હતું. રિપોર્ટમાં તેનું સુગર, સીબીસી, એલએફટી (લિવર ફંકશન ટેસ્ટ), ઈલેક્ટ્રોલાઈટ (સોડિયમ, પોટેશિયમ, કૈલ્શિયમ)ની તપાસ કરાઈ હતી. રિપોર્ટ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી ફરી જેલ ભેગો કરાયો હતો. ડીસી એસ.એન.સાબતે કહ્યું હતું કે, મુખ્તાર અંસારી રોઝો રાખતો હતો. ગુરુવારે રોજા રાખ્યા બાદ તેની અચાનક તબીયત લથડી હતી.

મુખ્તારના મોત બાદ બાંધામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ સુરક્ષામાં વધારો કરાયો છે. લખનઉ, કાનપુરથી લઈને મઉ, ગાઝીપુર તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને સુરક્ષા વધારવા આદેશ અપાયો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ ફોર્સ તહેનાત કરવા અને પેટ્રોલિંગ વધારવા આદેશ આપી દેવાયો છે.

મુખ્તારનો પરિવાર તેને મળવા મંગળવારે મેડિકલ કૉલેજ આવ્યો હતો. જોકે માત્ર તેના સાંસદ ભાઈ અફઝલ અંસારીને જ મળવા દેવાયો હતો. ત્યારબાદ મુખ્તારના પુત્ર ઉમર અંસારીએ આક્ષેપ કર્યો છે કે, લોકલ તંત્ર સહિત સરકાર તેમને મારવાનો પ્રયાસ કરી રહી છે. તેણે સુરક્ષા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. મુખ્તારે પણ પોતાને ધીમુ ઝેર આપતા હોવાનો જેલ વહિવટીતંત્ર પર આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ફરી તબિયત ખરાબ થતા તેને દુર્ગવાવતી મેડિકલ કૉલેજમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનો તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ ફરી જેલમાં મોકલી દેવાયો હતો.

ઉત્તર પ્રદેશમાં ખુંખાર માફિયા અતીક અહેમદના ખાતમા બાદ માફિયામાંથી રાજનેતા બનેલા મુખ્તાર અન્સારીનો પરિવાર ચર્ચામાં આવ્યો હતો. મુખ્તાર અંસારી 2021થી બાંદા જેલમાં બંધ હતો. મુખ્તાર વિરુદ્ધ યુપી ઉપરાંત પંજાબમાં પણ કેસ થયો હતો. 1987માં મુખ્તાર પર કોન્ટ્રાક્ટને લઈને પહેલીવાર હત્યાનો આરોપ લાગ્યો હતો. ગુનાની દુનિયામાં મુખ્તારની આ પહેલી મોટી એન્ટ્રી હતી. મુખ્તાર અંસારી સામે કુલ 61 કેસ દાખલ હતા. 2005માં સમગ્ર દેશમાં મુખ્તાર અંસારીનું નામ ચર્ચામાં આવ્યું હતું,  બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં તેમનું નામ સામે આવ્યું હતું. જોકે, જ્યારે કૃષ્ણાનંદની હત્યા થઈ ત્યારે મુખ્તાર તે સમયે જેલમાં હતો.

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ માફિયા મુખ્તાર અંસારીને નકલી હથિયાર લાયસન્સ સંબંધિત કેસમાં 13 માર્ચ-2024માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વારાણસીની એમપી-એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને 36 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. આ મામલામાં પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ IPCની કલમ 466/120B, 420/120, 468/120 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર આરોપ હતો કે તેણે 10 જૂન 1987ના રોજ ગાઝીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટને ડબલ બેરલ બંદૂકના લાયસન્સ માટે અરજી આપી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની નકલી સહીઓથી ભલામણો મેળવીને હથિયારનું લાઇસન્સ મેળવ્યું હતું. છેતરપિંડીનો પર્દાફાશ થયા પછી, સીબીસીઆઈડી દ્વારા 4 ડિસેમ્બર 1990ના રોજ મુખ્તાર અને તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર સહિત પાંચ લોકો વિરુદ્ધ મુહમ્મદાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

યુપી સરકારે 605 કરોડની સંપત્તિ કરી હતી જપ્ત

ગત વર્ષે ઓક્ટોબરમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા માફીયાઓ સામે ઝડપી કાર્યવાહી કરાઈ હતી, જેના ભાગરૂપે સરકાર દ્વારા મુખ્તાર અંસારીની 605 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી. અંસારીની સામે કુલ ૬૫ કેસો નોંધાયેલા હતા. જ્યારે અંસારીના કુલ ૨૮૮ સાથીઓની યાદી પણ તૈયાર કરાઇ હતી, જેની સામે કુલ ૧૫૬ કેસો નોંધાયેલા છે. મુખ્તાર સામે ઘણા કેસો થયેલા હોવાથી દર વર્ષે કોઇને કોઇ કેસનો ચુકાદો ચાલતો રહેતો હતો. જેથી અંસારી માટે આજીવન જેલમાંથી બહાર આવવું હવે મુશ્કેલ થઇ ગયું હતું.

14 વર્ષ પહેલા કપિલ દેવ સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. કપિલ દેવ સિંહ ગાઝીપુરમાં કરંડા પોલીસ સ્ટેશન વિસ્તારના સુઆપુર ગામમાં રહેતા હતા. તેઓ વ્યવસાયે શિક્ષક હતા. 2009માં ગામમાં એક દબંગ વ્યક્તિના ઘરે પોલીસે જપ્તીની કાર્યવાહી કરી હતી. જપ્ત સામાનનું લિસ્ટ બનાવવા અને સામાન્ય સાક્ષીની જરૂર પડવા પર લોકોએ સેવા નિવૃત શિક્ષક કપિલ દેવ સિંહને બોલાવવાની સલાહ આપી હતી. પોલીસની વિનંતી પર કપિલ દેવ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને સહકાર આપ્યો. જેના કારણે દબંગ વ્યક્તિના પરિવારજનો ગુસ્સે થયા હતા. દબંગ પરિવારને લાગ્યું કે કપિલ દેવ સિંહની પોલીસ સાથે મિલીભગત છે અને તેણે જ તેમના વિશે માહિતી આપી હતી. આ પછી એક ષડયંત્રના ભાગરૂપે કપિલ દેવની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના સમયે માફિયા મુખ્તાર અંસારી જેલમાં બંધ હતો ત્યારે તેની ગેંગ ચલાવતો હતો.

2009માં જ મુહમ્મદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મીર હસને મુખ્તાર અંસારી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાવ્યો હતો. આ હત્યાકાંડમાં શરૂઆતની FIRમાં મુખ્તાર અંસારીનું નામ સામેલ નહોતું. બાદમાં તપાસ અધિકારીએ ચાર્જશીટમાં મુખ્તાર અંસારીનું નામ જોડી લીધુ હતુ. ત્યારબાદ કપિલ દેવ સિંહ હત્યાકાંડ અને મીર હસનના મામલે 2010માં ગેંગસ્ટર એક્ટ હેઠળ મુખ્તાર અંસારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારી કપિલ દેવ સિંહ હત્યાકાંડના મૂળ મામલે પહેલા જ મુક્ત થઈ ચૂક્યો છે. ગેંગસ્ટર એક્ટ હેઠળ ચાલી રહેલા મામલે આજે કોર્ટે તેને દોષી જાહેર કર્યો છે.