શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને ફટકો, હાઈકોર્ટે ભરતી રદ કરી

April 22, 2024

શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને કલકત્તા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શાળા શિક્ષકની ભરતીને રદ કરી દીધી છે. હાઈકોર્ટે 2016ની આખી જોબ પેનલને રદ કરી છે અને હાઈકોર્ટ દ્વારા લગભગ 24 હજાર નોકરીઓ રદ કરવામાં આવી છે. આ ભરતીમાં 5 થી 15 લાખની લાંચ લેવાઈ હોવાના આક્ષેપો થયા છે.

આ કૌભાંડ 2014નું છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (એસએસસી) એ પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી હતી. આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. તે સમયે પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રી હતા. કોલકાતા હાઈકોર્ટમાં આ મામલે અનિયમિતતાની ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

અરજદારોએ દાવો કર્યો હતો કે કેટલાક ઉમેદવારોને નોકરી આપવામાં આવી હતી જેમણે TET પરીક્ષા પણ પાસ કરી નથી. જ્યારે રાજ્યમાં શિક્ષકની ભરતી માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. તેવી જ રીતે, 2016માં રાજ્યમાં SSC દ્વારા ગ્રુપ Dની 13000 ભરતી અંગે ફરિયાદો મળી હતી.