ઉત્તર પ્રદેશના સીતાપુરમાં 25થી વધુ મહિલાઓ સાથે લગ્ન અને કરોડોની છેતરપિંડી

August 09, 2026

ભાજપના ધારાસભ્યએ જ વેવાઈ સામે FIR નોંધાવી

સીતાપુર : ઉત્તર પ્રદેશના સીતાપુરમાં 25થી વધુ મહિલાઓ સાથે ઓળખ છુપાવીને લગ્ન કરવા અને કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના આરોપી અનુજ ત્રિવેદીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે તેમના વેવાઈ અને સ્થાનિક ભાજપ ધારાસભ્ય જ્ઞાન તિવારીએ સીતાપુરના રેઉસા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે એફઆઈઆર (FIR) નોંધાવી છે.


ભાજપ ધારાસભ્ય જ્ઞાન તિવારીએ લગભગ બે વર્ષ પહેલાં (14 ફેબ્રુઆરી 2024) પોતાની દીકરી ડૉ. પ્રજ્ઞા તિવારીના લગ્ન અનુજ ત્રિવેદીના પુત્ર પ્રખર ત્રિવેદી સાથે કરાવ્યા હતા. લગ્ન સમયે અનુજ ત્રિવેદીએ પોતાને મુંબઈમાં રિયલ એસ્ટેટનો બિઝનેસમેન ગણાવ્યો હતો. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલો દ્વારા ધારાસભ્યને જાણવા મળ્યું કે તેમના વેવાઈ અનુજ ત્રિવેદીએ પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ શહેરોમાં લગભગ 25 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે, અને તેમની સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી છે.

આ મામલે મુંબઈ પોલીસે અનુજ ત્રિવેદીની પહેલાથી જ ધરપકડ કરી લીધી છે, અને તે મહારાષ્ટ્રની જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ધારાસભ્ય જ્ઞાન તિવારીએ જણાવ્યું કે, તેમની સાથે અને તેમની પુત્રી સાથે મોટો વિશ્વાસઘાત થયો છે. હવે સીતાપુર પોલીસ મુંબઈ પોલીસ પાસેથી આરોપીની કસ્ટડી મેળવીને આગળની તપાસ કરશે.