મહારાષ્ટ્ર TET પેપર લીક કેસનો માસ્ટરમાઇન્ડ બિહારમાં ઝડપાયો, ભિવંડી પોલીસ કરશે પૂછપરછ

July 25, 2026

મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં મોટી સફળતા મળતાં કથિત માસ્ટરમાઇન્ડ બિજેન્દ્ર કુમાર ગુપ્તાની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ભિવંડી પોલીસ તેને પુણે એરપોર્ટ લાવી હતી અને વધુ પૂછપરછ તથા કાનૂની કાર્યવાહી માટે તેને ભિવંડી લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અનેક રાજ્યોમાં ફેલાયેલા પેપર લીક રેકેટની તપાસ હજુ પણ ચાલુ છે.

તપાસ મુજબ 28 જૂને યોજાનારી શિક્ષક પાત્રતા કસોટી (TET)નું પ્રશ્નપત્ર પરીક્ષાના માત્ર 24 કલાક પહેલાં લીક થયું હતું. ભિવંડી પોલીસે તપાસ દરમિયાન 1.5 કરોડ રૂપિયામાં પ્રશ્નપત્ર વેચવાના કાવતરાનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી પ્રશ્નપત્રના ચાર સેટ જપ્ત કર્યા હતા. બિજેન્દ્ર ગુપ્તા મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી છે.

તપાસ એજન્સીઓનું માનવું છે કે બિજેન્દ્ર ગુપ્તાની પૂછપરછથી સમગ્ર પેપર લીક નેટવર્ક, તેમાં સંડોવાયેલા અન્ય લોકો, નાણાકીય વ્યવહારો અને સમગ્ર કાવતરાને લઈને મહત્વના ખુલાસા થઈ શકે છે. પોલીસના જણાવ્યા મુજબ તે લાંબા સમયથી ફરાર હતો અને તેની શોધ માટે બિહાર સહિત અનેક રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

આ કેસમાં બિજેન્દ્ર ગુપ્તાની પત્ની સહિત અનેક આરોપીઓની અગાઉથી ધરપકડ થઈ ચૂકી છે. હવે મુખ્ય આરોપી ઝડપાતા તપાસને નવી દિશા મળશે અને પેપર લીક રેકેટ સાથે જોડાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળશે તેવી તપાસ એજન્સીઓને આશા છે.