અમેરિકામાં કર્મચારીઓની છટણી અને ડીપોર્ટ કરવા કરોડોનો ધુમાડો

February 17, 2025

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં લોકોને ડીપોર્ટ કરવા માટે મિલિટરી પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે તેના કારણે અમેરિકામાં જ વિવાદ થઈ ગયો છે. એક તરફ ટ્રમ્પ સરકારનો ખર્ચ બચાવવા માટે કર્મચારીઓને છૂટા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ મિલિટરી પ્લેન વાપરીને સરકારનાં નાણાંનો બેફામ ધુમાડો કરી રહ્યા છે.  ટ્રમ્પ મિલિટરી પ્લેન વાપરીને પ્રતિ પેસેન્જર ૫ હજાર ડોલર (લગભગ રૂપિયા ૪.૪૦ લાખ)ની આસપાસ ખર્ચ કરી રહ્યા છે જ્યારે સામાન્ય કોમર્શિયલ ફ્લાઈટમાં ખર્ચ ૫૦૦ ડોલરથી ૧૦૦૦ હજાર ડોલરની આસપાસ જ થાય છે. ભારત સહિતના અમેરિકાથી દૂર આવેલા કેટલાક દેશોમાં લોકોને મોકલવાનો ખર્ચ તો સામાન્ય ફ્લાઈટ કરતાં સાત-આઠ ગણો થઈ રહ્યો છે.  અમેરિકાથી ભારતની મિલિટરી પ્લેનની સફર પાછળ ૧૦ લાખ ડોલરનો ખર્ચ થયો છે. અમૃતસરમાં શનિવારે રાત્રે ઉતરેલા યુએસ મિલિટરીના પ્લેનમાં ૧૦૪ ભારતીયો હતો એ જોતાં પ્રતિ ભારતીય ૯૬૧૫ ડોલર (લગભગ રૂપિયા ૮.૪૬ લાખ) ખર્ચાયા છે. અમેરિકાનું એક તરફનું ભાડું ૮૦ હજારથી એક લાખ રૂપિયાની વચ્ચે છે એ જોતાં લગભગ ૧૦ ગણો ખર્ચ કરાયો છે.  ટ્રમ્પે એક તરફ સરકારી વિભાગોનો ખર્ચ ઘટાડવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ર્ઘંય્ઈ) બનાવ્યો છે ત્યારે બીજી તરફ ડીપોર્ટેશનની પોતાની સનક પૂરી કરવા મનફાવે તેમ ડોલર ઉડાવી રહ્યા છે.  અમેરિકા ગેરકાયદેસર રહેતાં લોકોને સામાન્ય કોમર્શિયલ ફ્લાઈટમાં પોતપોતાના દેશમાં મોકલે તેના કરતાં મિલિટરી પ્લેનમાં મોકલવાનો ખર્ચ પાંચ ગણો થાય છે પણ ટ્રમ્પ દુનિયામાં પોતાનો વટ બતાવવા માટે મિલિટરી પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે.  અમેરિકાએ ગ્વાટેમાલાના ગેરકાયદેસર રીતે રહેતાં લોકોને તેમના દેશમાં મોકલવા માટે મિલિટરી પ્લેન વાપર્યું તેમાં  પ્રતિ વ્યક્તિ ૪,૬૭૫ ડોલર (લગભગ ૪.૧૧ લાખ રૂપિયા) ખર્ચ થાય છે. હવે એ જ રૂટ પર અમેરિકન એરલાઇન્સમાં કોઈને મોકલાય તો વન-વે ફર્સ્ટ ક્લાસ ટિકિટના ૮૫૩ ડોલર (લગભગ રૂપિયા ૭૫ હજાર ) થાય. આમ સામાન્ય ફ્લાઈટના ખર્ચ કરતાં પાંચ ગણા કરતાં વધુ ખર્ચ અમેરિકા સરકાર કરી રહી છે.