કેરળમાં કોંગ્રેસે કાઢી મૂકેલા ધારાસભ્યની ધરપકડ, યૌન શોષણના 3 કેસ બાદ કાર્યવાહી

January 11, 2026

પલક્કડ : કેરળના પલક્કડથી કોંગ્રેસમાંથી નિષ્કાસિત ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલની યૌન શોષણના ગંભીર આરોપોમાં શનિવાર રાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને પલક્કડમાંથી પકડીને પથનમથિટ્ટા લઈ જવાયા હતા અને રવિવાર સવારે પોલીસ કેમ્પમાં રાખવામાં આવ્યા છે.

પથનમથિટ્ટા જિલ્લાના એક મહિલાની ફરિયાદ બાદ રાહુલ મમકૂટાથિલ સામે યૌન શોષણનો ત્રીજો કેસ નોંધાયો હતો. મહિલાએ પોતાની ફરિયાદમાં ગંભીર આરોપો લગાવતા મામલો વધુ વણસી ગયો હતો. આ અગાઉ પણ તેમના સામે સમાન પ્રકારના બે કેસ નોંધાયેલા હતા.


આ ત્રીજા કેસની તપાસ પણ તે જ વિશેષ તપાસ ટીમ (SIT)ને સોંપવામાં આવી છે, જે અગાઉના બે યૌન શોષણના કેસોની તપાસ કરી રહી છે. SIT હવે તમામ કેસોને જોડીને વિસ્તૃત તપાસ કરશે. પોલીસના જણાવ્યા અનુસાર, રાહુલ મમકૂટાથિલ પલક્કડની એક હોટલમાં રોકાયા હતા. ત્યાંથી તેમને મોડી રાતે કસ્ટડીમાં લેવામાં આવ્યા અને પથનમથિટ્ટા ખસેડવામાં આવ્યા. હાલ તેમની ઔપચારિક ધરપકડની પ્રક્રિયા પૂર્ણ કરવાની તૈયારી ચાલી રહી છે. આ પહેલાંના એક કેસમાં, જેમાં મહિલાને બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો આરોપ હતો, કેરળ હાઇકોર્ટે રાહુલ મમકૂટાથિલને અંતરિમ સુરક્ષા આપી હતી. જ્યારે બીજા કેસમાં તિરુવનંતપુરમની સત્ર અદાલતે તેમને આગોતરા જામીન મંજૂર કર્યા હતા. યૌન શોષણના ગંભીર આરોપો સામે આવતા કોંગ્રેસ પાર્ટીએ રાહુલ મમકૂટાથિલને પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દીધા હતા. પાર્ટી તરફથી આ પગલું લેતા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો કે આવા આરોપો સહન નહીં કરવામાં આવે.