મોદીએ શરૂ કર્યું નશા વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી અભિયાન, 100 રવિવાર બદલશે ભારતનું ભવિષ્ય

August 02, 2026

દિલ્હી ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં યુવાનોને નશા વિરુદ્ધ સંઘટિત કરવાના ઉદ્દેશ્યથી 'નશા મુક્ત યુવા ફૉર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'ની શરુઆત કરી છે. વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી શરૂ થયેલી આ રાષ્ટ્રવ્યાપી પહેલ હેઠળ 28,000 થી વધુ જગ્યાઓથી જોડાયેલા 1 કરોડથી વધુ યુવા સાથીઓએ નશામુક્ત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો છે. વડાપ્રધાન મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આ અભિયાન વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 'વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા' આ મુવમેન્ટનું નામ જ તેના સંકલ્પને સ્પષ્ટ કરે છે.


વડાપ્રધાને જણાવ્યું હતું કે દુશ્મન દેશો ભારતમાં ડ્રગ્સ મોકલીને અને યુવાનોને નિશાન બનાવીને દેશને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ગેરકાયદે ડ્રગ્સના કારોબારને દુશ્મનના આતંકવાદી એજન્ડાનો હિસ્સો ગણાવ્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યારે દેશે વિકસિત ભારતનું લક્ષ્ય નક્કી કર્યું છે, ત્યારે તેના માટે દેશના યુવાનો તન-મનથી સ્વસ્થ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જરૂરી છે.

વડાપ્રધાને આ અભિયાનને સામૂહિક જનઆંદોલન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, આગામી 100 રવિવાર 'નશા મુક્ત ભારત'ની દિશામાં 100 મજબૂત પગલાં સાબિત થશે. આજે હજારો શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓના લાખો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ સાથે ઓનલાઈન જોડાયા છે. સરકાર પણ ડ્રગ્સના કારોબારીઓ સામે અત્યંત સખત કાર્યવાહી કરી રહી છે, જેના ભાગરૂપે પહેલાની સરખામણીએ ઘણી વધારે ધરપકડો કરવામાં આવી છે અને હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાને પરિવારો અને યુવાનોને માર્ગદર્શન આપતા કહ્યું કે જો કોઈ યુવા ભૂલથી પણ નશાની ચપેટમાં આવી જાય તો તેના બધા રસ્તા બંધ થઈ જતા નથી. સામાજિક પ્રતિષ્ઠાના ડરથી આવી બાબતો છુપાવવી જોઈએ નહીં, પરંતુ ત્વરિત મેડિકલ હેલ્પ લેવી જોઈએ. તેમણે પરિવારમાં બાળકો સાથે ખુલ્લા સંવાદની સંસ્કૃતિ વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો. યુવાનોને દેશની 'અમૃત પેઢી' ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે આવનારા 20 થી 25 વર્ષોમાં યુવાનોએ જ 2047 માં દેશને વિકસિત ભારતની મંજીલ સુધી પહોંચાડવાનો છે અને તેના શિખર પર બિરાજમાન થવાનું છે.