મોસ્કો- 28 મૃતદેહ બાથરુમમાંથી મળ્યા, વિડિયોમાં એક આંતકી મૃતદેહનુ ગળુ કાપતો જોવા મળ્યો

March 24, 2024

મોસ્કો- રશિયાની રાજધાની મોસ્કોના કોન્સર્ટ હોલમાં થયેલા આતંકી હુમલાને આખી દુનિયા વખોડી રહી છે. આ હુમલામાં 145 જેટલા લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. જેઓ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઈસ્લામિક સ્ટેટ-ખોરાસને આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલાની ભયાનકતા હવે બહાર આવી રહી છે. મોસ્કોના કોન્સર્ટ હોલમાં વોશરુમમાંથી 28 અને દાદર પરથી 14 મૃતદેહો મળ્યા છે અને તેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. હુમલાખોરોએ ફાયરિંગ કર્યા બાદ પેટ્રોલ છાંટીને હોલમાં આગ લગાડી હતી અને તેના કારણે પણ મૃત્યુઆંક વધ્યો છે. ઈસ્લામિક સ્ટેટ દ્વારા આ હુમલાના વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, એક આતંકીએ તો મરેલા લોકોને ફરી ગોળીઓ મારી હતી. ચાર આતંકીઓ હાથમાં બંદુકો અને ચાકુ લઈને ચારે તરફ ફરી રહ્યા છે. વિડિયોમાં એક આતંકી તો મૃતદેહનુ ગળુ કાપતો પણ નજરે પડી રહ્યો છે. તેને વિડિયોમાં ચીસો પાડતા જોઈ શકાય છે.

ઈસ્લામિક સ્ટેટે વિડિયો જાહેર કરવાની સાથે સાથે આતંકીઓના ચહેરાને બ્લર કરી દીધા છે અને તેમના અવાજને પણ બદલી નાંખ્યા છે. આ હુમલાને નજરે જોનારાઓનુ કહેવુ હતુ કે, હથિયારોથી સજ્જ ચાર લોકો જ્યાં કોન્સર્ટ યોજાઈ રહી હતી તે ક્રોકસ હોલમાં મેટલ ડિટેકટર સાથેના દરવાજા તરફ આગળ વધ્યા હતા અને ફાયરિંગ શરુ કરી દીધુ હતુ. આ હુમલા બાદ ચારે તરપફ દોડધામ મચી ગઈ હતી અને જેમને ગોળીઓ વાગી હતી તે લોકો લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડવા માંડ્યા હતા.આ હુમલો થયો ત્યારે હોલમાં 6000 જેટલા લોકો હાજર હતા.