નીતિશ મુખ્યમંત્રી થે, હૈ ઔર રહેંગે...' JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ

November 14, 2025

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં NDA ભલે જીત તરફ આગળ વધી રહ્યું હોય, પરંતુ સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડ (JDU) દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક હરકતથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. JDUએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સ્પષ્ટપણે કહ્યું હતું કે 'નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે' પરંતુ થોડી જ વારમાં આ પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હતી. મતગણતરીના વલણોમાં નીતિશ કુમાર ફરી એકવાર જીત તરફ આગળ વધી રહ્યા છે અને તેમનો પક્ષ JDU લગભગ 81 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. આ દરમિયાન JDU તરફથી આ સંદેશ પોસ્ટ કરવામાં આવી હતી. JDUએ નીતિશ કુમારનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું, 'ના ભૂતો ના ભવિષ્યતિ... નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.' થોડીવાર પછી આ પોસ્ટ ડીલીટ થતાં ગઠબંધનના ભવિષ્ય અને મુખ્યમંત્રી પદને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. અગાઉ એક સમર્થકે પટણામાં પાર્ટીના મુખ્યાલયની સામે એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં લખ્યું હતું, 'ટાઈગર અભી જિંદા હૈ.'