NEET પેપર લીક બાદ NTAના પુનર્ગઠનની શરૂઆત, 47 અધિકારીઓ બરતરફ, લીક-પ્રૂફ પરીક્ષા પ્રણાલી પર સરકારનો ભાર

July 25, 2026

NEET પેપર લીક વિવાદ બાદ કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં મોટા પાયે ફેરફારો શરૂ કર્યા છે. આ પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવારે NTAના 47 અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. કેટલાક અધિકારીઓ સામે કાનૂની અને ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. આ નિર્ણય એજન્સીના વ્યાપક પુનર્ગઠનનો ભાગ હોવાનું જણાવાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી મહિનામાં NTAના કાર્યકારી અને વહીવટી માળખામાં મોટા ફેરફારો કરવામાં આવશે. સરકારનો હેતુ એવી પરીક્ષા પ્રણાલી વિકસાવવાનો છે જેમાં પ્રશ્નપત્ર લીક જેવી ઘટનાઓને સંપૂર્ણપણે અટકાવી શકાય અને JEE, NEET તથા CUET સહિતની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ વધુ પારદર્શક અને વિશ્વસનીય બની શકે.

આ પહેલાં NEET પેપર લીકના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રાલયમાં પણ ફેરફાર કરીને ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશીને પદ પરથી હટાવ્યા હતા અને તેમના સ્થાને નરેશ પાલ ગંગવારની નિમણૂક કરી હતી. આ નિર્ણયની જાહેરાત ગુરુવારે મોડી રાત્રે સરકારી જાહેરનામા દ્વારા કરવામાં આવી હતી.

હાલમાં NTAમાં પ્રતિનિયુક્તિ પર 22 કર્મચારીઓ, 38 કરાર આધારિત કર્મચારીઓ અને 138 આઉટસોર્સ કર્મચારીઓ કાર્યરત છે. ઉપરાંત સરકારે 29 ઓક્ટોબર, 2024ના રોજ 16 નવી જગ્યાઓ મંજૂર કરી હતી, જેમાં 8 ડિરેક્ટર અને 8 સંયુક્ત ડિરેક્ટર સ્તરની પોસ્ટનો સમાવેશ થાય છે. પરીક્ષાઓનું સુરક્ષિત અને નિષ્પક્ષ આયોજન સુનિશ્ચિત કરવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે.