ઓમર અબ્દુલ્લા બનશે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી: ફારુક અબ્દુલ્લાનું મોટું એલાન

October 08, 2024

જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. એવામાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ છે. જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી પૂર્ણ થવાના આરે છે. રાજ્યમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સરકાર બનતી નજર આવી રહી છે.  જો કે, ભાજપ પણ અહીં શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બડગામ બેઠક પરથી જીત નોંધાવી છે. ત્યારે આ વચ્ચે હવે નેશનલ કોન્ફરન્સના નેતા ડૉ. ફારુક અબ્દુલ્લાએ મોટું એલાન કરતાં કહ્યું કે, ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે. ફારુક અબ્દુલ્લાએ આગળ કહ્યું કે, 'લોકોએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. હું તમામ લોકોનો આભારી છું કે, લોકોએ ચૂંટણીમાં ભાગ લીધો. અલ્લાહનો આભાર છે કે, પરિણામ તમારી સામે છે. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.' બડગામ બેઠક પર 58.97% મતદાન થયું હતું. આ બેઠક 1977થી નેશનલ કોન્ફરન્સનો ગઢ છે. તમને જણાવી દઈએ કે, ઓમર અબ્દુલ્લા બડગામની સાથે-સાથે ગાંદરબલથી પણ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ બન્ને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ગાંદરબલમાં ઓમર અબ્દુલ્લા 9766 મતોથી આગળ છે. આ બેઠક પર ઓમર અબ્દુલ્લાએ પીડીપીના ઉમેદવાર બશીર અહેમદ મીરને ખરાબ રીતે હરાવ્યા છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જ્યારે મહબૂબા મુફ્તીની PDP તથા ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી હતી.