UPSCમાં છેતરપિંડી આચરનારી પૂજા ખેડકરના જામીન મંજૂર, સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને આપ્યો આદેશ

May 21, 2025

સુપ્રીમ કોર્ટે યુપીએસસી પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિ તેમજ છેતરપિંડી આચરીને આઈએએસ બનેલી પૂજા ખેડકરના આગોતરા જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે પૂજા ખેડકરના આગોતરા જામી મંજૂર કરતાં જણાવ્યું હતું કે, શું તેણે ગંભીર ગુનો કર્યો છે? તે ડ્રગ ડીલર કે આતંકવાદી નથી. તેણે 302 (હત્યા)નો ગુનો કર્યો નથી. તે NDPS ગુનેગાર નથી. તમારી પાસે સિસ્ટમ કે સોફ્ટવેર હોવું જોઈએ. તમે તપાસ પૂર્ણ કરો. તેણે બધું જ ગુમાવી દીધું છે અને તેને ક્યાંય નોકરી મળશે નહીં. પૂજા ખેડકરે પછાત વર્ગ (OBC) અને બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ (PwBD) શ્રેણીઓનો દુરૂપયોગ કરતાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરી IAS પરીક્ષામાં લાભ લીધો હતો. દિલ્હી પોલીસે તેની વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. ખેડકર વિરૂદ્ધ ફરિયાદ થતાં તે અંડરગ્રાઉન્ડ થઈ હતી. બાદમાં હાલમાં જ 2 મે, 2025ના રોજ કમલા માર્કેટ ખાતે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ખેડકર કેસમાં થઈ રહેલા વિલંબ બદલ સવાલો કર્યા હતાં કે, ખેડકરે પોતે જ આ કેસમાં સહકાર આપવાની તૈયારી બતાવી હોવા છતાં તપાસમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે. આ કેસની તપાસ ઝડપથી પૂર્ણ કરી ઉકેલ લાવો. ઉલ્લેખનીય છે, દિલ્હી હાઈકોર્ટે અગાઉ બંધારણીય સંસ્થા અને દેશની સાથે છેતરપિંડી આચરવાનો સ્પષ્ટ કેસ હોવાનું જણાવી તેની જામીન અરજી રદ કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, તેના વાલી પણ વરિષ્ઠ સરકારી અધિકારીઓ હોવાથી મામલો ગંભીર છે.  મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની રહેવાસી પૂજા ખેડકર એક તાલીમાર્થી (ટ્રેઇની) આઇએએસ અધિકારી હતી. બત્રીસ વર્ષીય પૂજા ખેડકર 2023 બૅચની અધિકારી હતી અને તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી)ની પરીક્ષામાં દેશભરમાં 841મો ક્રમાંક મેળવ્યો હતો. તે અમલદારો અને રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. પૂજાના પિતા દિલીપ રાઓ ખેડકર મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિવૃત્ત અધિકારી છે. વંચિત બહુજન આખાડી (VBA) પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ 2024ના લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પૂજાની માતા ભલગાંવ ગામની સરપંચ છે. તેના દાદા પણ વરિષ્ઠ અમલદાર હતા.