માથે હાથ મૂકી સોગંદ ખાઓ કે કોઈને નહીં કહો..., અમદાવાદના પોશ વિસ્તારમાં છરીની અણીએ બંગલામાં લૂંટ

November 01, 2025

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં મોડી રાત્રે બંગલામાં ત્રાટકેલા ત્રણ લૂંટારાઓએ 75 વર્ષીય વેપારી અને તેમની પત્નીને ચાકુની અણીએ બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ આ લૂંટારાઓ 22.91 લાખની કિંમતના સોના-હીરા જડિત દાગીના, ઘડિયાળ અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.  બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, થલતેજ–શિલજ રોડ પર આવેલા આર્યમન બંગ્લોઝના રહેવાસી 75 વર્ષીય વેપારી ભરત શાહે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના 27 ઓક્ટોબરની વહેલી સવારે બની હતી, જ્યારે હું અને તેમના પત્ની પલ્લવી શાહ પહેલા માળના બેડરૂમમાં સૂતા હતા. વહેલી સવારે લગભગ 1:30 વાગ્યે હું બાથરૂમ જવા માટે ઊઠ્યો અને પાછો ફર્યા ત્યારે બેડરૂમનો દરવાજો સહેજ ખુલ્લો જોયો. દસ મિનિટ પછી, તેમણે બે માસ્ક પહેરેલા માણસોને રૂમની અંદર ચપ્પુ જેવા હથિયાર સાથે જોયા. જ્યારે મારી પત્ની જાગી , ત્યારે ત્રીજો એક લૂંટારો પણ રૂમમાં આવી ગયો અને જો સહકાર નહીં આપે તો મને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પલ્લવી ડરી ગઈ અને તેણે ડ્રેસિંગ રૂમમાં કબાટની અંદર છુપાવેલી લોખંડની તિજોરી જબરદસ્તી ખોલાવી અને તેમાંથી તમામ કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. અને બાદમાં ત્યાંથી ભાગી ગયા. ભરત શાહે નિવેદનમાં જણાવ્યું કે, 'તેમણે મારા તરફ ચપ્પુ તાકીને હિન્દીમાં ધમકી આપી, 'આવાઝ મત કરના, વરના માર દેંગે'. ઘટનાસ્થળેથી ફરાર થતા પહેલાં લૂંટારાઓએ દંપતીને પોલીસને જાણ ન કરવાની ધમકી આપી હતી. શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 'તેમણે મારી પત્નીનો હાથ મારા માથા પર મૂકાવીને સોગદ ખવડાવી અને કહ્યું કે, કહ તમે પોલીસને ફોન નહીં કરો  અને જો કર્યો તો અમે તમને બંનેને મારી નાખીશું.' ડરના માર્યા દંપતી સવાર થતાં સુધી બેડરૂમમાં જ રહ્યા. સવારે 5 વાગ્યાની આસપાસ તેઓ નીચે આવ્યા અને ગાર્ડને જાણ કરી. તેમને ખબર પડી કે ઘરના પાછળના ભાગમાં ડાઇનિંગ એરિયા પાસેની બારીનો કાચ તૂટેલો હતો. ઘરના સીસીટીવી ફૂટેજમાં ત્રણ વ્યક્તિઓ પાછળની દીવાલ કૂદીને, તૂટેલી બારીમાંથી રાત્રે 12.57 વાગ્યે ઘરમાં પ્રવેશતા અને ચોરીનો સામાન લઈને 2.48 વાગ્યે બહાર નીકળતા જોવા મળ્યા છે. ચોરી થયેલા માલમાં અનેક સોનાની બંગડીઓ, હીરા જડિત દાગીના, હાર, એક પ્લેટિનમ બ્રેસલેટ, સોનાના બિસ્કિટ અને લક્ઝરી બ્રાન્ડની ઘડિયાળ તથા રૂ. 1 લાખ રોકડાનો સમાવેશ થાય છે. કુલ નુકસાન 22.91 લાખ આંકવામાં આવ્યું છે.